✕

બૉમ્બે HCએ મહારાષ્ટ્ર સરકારને આપ્યો ‌નિર્દેશ: ‌ફટાકડા ફોડવા માટેની ટાઇમ-‌‌લિ‌મિટ નક્કી કરવા ‌વિશે ‌વિચારો

05 November, 2026 07:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળીના તહેવાર દરમ્યાન પ્રદૂષણ તેમ જ નાગરિકોના સ્વાસ્થ્ય સામે ઊભા થતા ગંભીર જોખમને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે નક્કી કરેલી સમયમર્યાદાના નિયમો મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવા વિશે વિચારણા કરવા બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

દિવાળીના તહેવાર દરમ્યાન પ્રદૂષણ તેમ જ નાગરિકોના સ્વાસ્થ્ય સામે ઊભા થતા ગંભીર જોખમને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે નક્કી કરેલી સમયમર્યાદાના નિયમો મહારાષ્ટ્રમાં પણ લાગુ કરવા વિશે વિચારણા કરવા બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ઍક્ટ્રેસ દિયા મિર્ઝાનો દિવાળી અવેરનેસ વિડિયો સોશ્યલ મીડિયા પરથી હટાવી લેવાના મામલે સુઓ મોટો નોંધ લઈને જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે ૧૩ પાનાંનો આદેશ આપ્યો હતો. એમાં બેન્ચે તહેવારોની સીઝનમાં દિલ્હી-NCR (નૅશનલ કૅપિટલ રીજન) વિસ્તારમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ૨૯ ઑક્ટોબરે આપેલા નિર્દેશોનો સંદર્ભ ટાંક્યો હતો.
બુધવારે ઉપલબ્ધ થયેલા હાઈ કોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાજ્ય સરકાર તેમ જ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, BMC અને પોલીસ ડિપાર્ટમેન્ટ સહિતના સંબંધિત સત્તાવાળાઓએ આ નિર્દેશો, ખાસ કરીને ફટાકડા ફોડવાના સમય બાબતે વિચારણા કરવી ઉચિત રહેશે.’
સુપ્રીમ કોર્ટે ‌દિલ્હી-NCRમાં દિવાળી દરમ્યાન માન્યતાપ્રાપ્ત ગ્રીન ક્રૅકર્સ ફોડવા માટે સવારે ૬થી ૭ વાગ્યા સુધી અને રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધીની ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈ કોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે ‘અમારા મતે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર અને સંબંધિત સત્તાવાળાઓએ રાજ્યમાં આ નિર્દેશોની ઉપયોગિતા અને અમલીકરણ વિશે વિચારવું યોગ્ય રહેશે.’
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે દિવાળી તમામ સમુદાયો દ્વારા ઉત્સાહપૂર્વક ઊજવાતો રાષ્ટ્રીય તહેવાર છે, પરંતુ અનિયંત્રિત રીતે ફટાકડા ફોડવાથી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સંકટ ઊભું થાય છે. એના કારણે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં અચાનક મોટો ઉછાળો આવે છે અને અતિસૂક્ષ્મ રજકણો હવામાં ભળીને દિવસો સુધી વાતાવરણમાં જકડાઈ રહે છે.

mumbai news mumbai bombay high court diwali festivals delhi news maharashtra government maharashtra news maharashtra