✕

ઇમરાન ખાને બિનશરતી માફી માગી, લખીને આપ્યું કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રોટેસ્ટમાં ભાગ નહીં લે

03 November, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે અમેરિકા જઈને ત્યાં પ્રોટેસ્ટ કરો, ત્યાં વોટિંગ પણ કરી શકશો; અહીં વિરોધ કરશો તો એ નહીં ચલાવી લેવાય

ઇમરાન ખાન

બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે અભિનેતા ઇમરાન ખાનને આપવામાં આવેલી ભારત છોડો નોટિસ પર જ્યાં સુધી તેને આ નોટિસનો જવાબ આપવાની તક ન મળે ત્યાં સુધી રોક લગાવી દીધી છે. જોકે કોર્ટે ઇમરાન ખાનને મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથેના વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવા બદલ અન્ડરટેકિંગ અને બિનશરતી માફી માગવા કહ્યું હતું. એથી ઇમરાન ખાનના વકીલ વેન્કટેશ ધોંડે તરત જ અન્ડરટેકિંગ લખી આપ્યું હતું કે તે હવે પછી ભવિષ્યમાં ક્યારેય પ્રોટેસ્ટમાં ભાગ નહીં લે અને બિનશરતી માફી પણ માગી લીધી હતી. 
બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI)ના કાર્ડધારકો દ્વારા ભારતમાં વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લેવો સ્વીકાર્ય નથી. કોર્ટે તેને મૌખિક રીતે કહ્યું હતું કે ‘તમે અમેરિકા જાઓ અને ત્યાં વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લો, તમે ત્યાં જઈને મતદાન પણ કરી શકો છો; પરંતુ અહીં તમે કોઈ પણ બાબતનો વિરોધ કરો એ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ ઇન્ડિયને આવું બીજે કર્યું હોત તો શું એ લોકો ચલાવી લેત? જો આવું અમેરિકામાં બન્યું હોત તો નેક્સ્ટ ફ્લાઇટમાં જ તેને ઇન્ડિયા પાછો મોકલી દીધો હોત. જો તમે પ્રોટેસ્ટ કરવામાં આટલો જ રસ ધરાવો છો તો ઇન્ડિયન સિટિઝનશિપ લઈ લો.’

જ્યાં સુધી ઑથોરિટીનો સવાલ છે ત્યાં સુધી તેમની પાસે એવી સત્તા છે કે એ આવી નોટિસ ઇશ્યુ કરી શકે એટલું જ નહીં, તેઓ તેને ડિપૉર્ટ કરવાની સત્તા પણ ધરાવે છે એમ જણાવીને કોર્ટે કહ્યું હતું કે ‘તેની પાસે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCI)નું કાર્ડ છે એ પણ આ દેશની ભલમનસાઈ છે. હવે જ્યારે તેણે (ઇમરાન ખાને) બિનશરતી માફી માગી લીધી છે અને તે નાનપણથી ભારતમાં રહ્યો છે, તેણે અહીં ફિલ્મો પણ કરી છે અને ઓળખ મેળવી છે એ પણ આ દેશનું મોટાપણું છે તો તેના તરફ મોટું દિલ રાખજો. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ.’
ઇમરાનના વકીલ ઝુલ્ફીકાર મેમણે જણાવ્યું હતું કે ‘ઇમરાન ખાનનો વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવાનો કોઈ ઇરાદો નહોતો. તે ક્યારેય કોઈ પક્ષ, સંસ્થા કે જૂથ સાથે જોડાયેલો નથી જેઓ આ 
વિરોધ-પ્રદર્શનોનું આયોજન કરી રહ્યા છે.’

ઘટના શું બની હતી? 
૧૦ ઑક્ટોબરે મુંબઈના ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં થયેલા એક વિરોધ-પ્રદર્શન દરમ્યાન ઇમરાન ખાનને તાબામાં લેવામાં આવ્યો હતો. આ વિરોધ-પ્રદર્શન દિલ્હીમાં મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં હતું, જે મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને કરવામાં આવી રહ્યું હતું. આ પ્રદર્શન બાદ ગામદેવી પોલીસ-સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઇમરાન ખાને અમેરિકન નાગરિક હોવા છતાં રાજકીય વિરોધ-પ્રદર્શનમાં ભાગ લઈને ફૉરેનર્સ ઍક્ટ (વિદેશી નાગરિકો વિશેનો કાયદો)નું ઉલ્લંઘન કર્યું છે. ત્યાર બાદ પોલીસે આ ફરિયાદ ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO)ને મોકલી આપી હતી, જેણે ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ આપતી નોટિસ ઇશ્યુ કરી હતી.

mumbai news mumbai imran khan bombay high court