પુણે જિલ્લામાં પ્રશાસને ગણેશોત્સવના ૧૨ દિવસ દારૂબંધી મૂકી, હાઈ કોર્ટે પ્રશાસનને જ ફટકાર્યું

12 September, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે લોકો રોજ દારૂ પીતા હોય તેમની તબિયત લથડી શકે છે એ કારણ આપીને હાઈ કોર્ટે દારૂ પર ૧૦ દિવસનો બ્લૅન્કેટ બૅન હટાવવાનો આદેશ આપ્યો, માત્ર બે દિવસ રહેશે ડ્રાય-ડે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આ વખતે ગણેશોત્સવને લઈને પુણેનું નામ વારંવાર ચર્ચાઈ રહ્યું છે. પહેલાં વિદ્યાનંદ બાપટે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નોઇઝ પૉલ્યુશનને લઈને રજૂઆત કરી હતી. પુણે જિલ્લાના જિલ્લાધિકારી જિતેન્દ્ર ડુડ્ડીએ લેઝર લાઇટ અને DJ પર તો બંધી મૂકી હતી પછી તેમણે પુણે જિલ્લામાં ૧૨ દિવસ દારૂબંધીનો પણ નિર્ણય લીધો હતો.

એ સિવાય જે રસ્તાઓ પરથી શોભાયાત્ર, વિસર્જનયાત્રા નીકળે છે એ રસ્તાઓ પરની બધી જ દારૂની દુકાનો શોભાયાત્રા પૂરી થઈ જાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ મામલે દારૂ વેચતા દુકાનદારો બૉમ્બે હાઈ કોર્ટમાં ગયા હતા. તેમના દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં આ સંદર્ભે વિરોધની અરજી કરવામાં આવતાં બૉમ્બે હાઈ કોર્ટે પ્રશાસનને જ આડે હાથે લીધું છે અને કહ્યું છે કે ફક્ત પુણે જિલ્લામાં જ દારૂબંધી કેમ? કોર્ટે વધુમાં કહ્યું છે કે દરેક દારૂ પીનારી વ્યક્તિ કાયદા સુવ્યવસ્થા માટે અંતરાય ઊભો કરશે એવું નથી. આ રીતના ‘બ્લૅન્કેટ બૅન’ને કારણે જે લોકો રોજ જ દારૂ પીતા હોય તેમની તબિયત લથડી શકે અને એથી હૉસ્પિટલમાં પણ દરદીઓની સંખ્યા વધી જશે. કોઈ પણ તર્ક સિવાય આવો બ્લૅન્કેટ બૅનનો આદેશ ન આપી શકાય. હાઈ કોર્ટના આદેશ બાદ પુણેમાં ૧૪ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બર એમ બે દિવસ જ દારૂબંધી રહેશે, બાકીના ૧૦ દિવસ માટે જાહેર કરાયેલી દારૂબંધી પાછી ખેંચવામાં આવી છે. 

ganesh chaturthi ganpati pune pune news bombay high court mumbai mumbai news maharashtra news maharashtra