૨૦૨૯ સુધીમાં BMC બનાવશે દેવનારના કચરામાંથી રાંધણગૅસ

16 March, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજ ૧૦૦૦ ટન કચરો પ્રોસેસ થશે, હજારો ઘરને પાઇપલાઇન વડે ગૅસ પહોંચાડવામાં આવશે

બાયો-મિથેનેશન પ્રોજેક્ટ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે લાંબા સમયથી અટવાયેલા બાયો-મિથેનેશન પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટમાં કચરામાંથી રાંધણગૅસ બનાવીને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) નેટવર્ક દ્વારા ઘરો સુધી પહોંચાડવામાં આવશે. અત્યારે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નું મોટું સંકટ ઊભું થયું છે. ખાસ કરીને રેસ્ટોરાં, બેકરીઓ અને કૅન્ટીનને અસર થયા બાદ હવે BMCએ આ પ્રોજેક્ટનું કામ ૨૦૨૯ સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

મહાનગર ગૅસ લિમિટેડ (MGL) સાથે ભાગીદારીમાં પ્રસ્તાવિત આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. સરકારે પ્લાન્ટ માટે ૮ હેક્ટર જમીન ફાળવવાનો ગવર્નમેન્ટ રેઝલ્યુશન(GR) પણ બહાર પડ્યો છે.

મુંબઈની સૌથી જૂની ડમ્પિંગ સાઇટ દેવનાર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ હેઠળ બાયો-મિથેનેશન પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવશે.

આ યોજના માટે BMC દરરોજ લગભગ ૧૦૦૦ ટન કચરો સપ્લાય કરશે. MGL ખાસ બાયોલૉજિકલ ટ્રીટમેન્ટ દ્વારા કચરા પર પ્રોસેસ કરશે અને એનું બાયો-મિથેનમાં રૂપાંતર કરીને બનાવાયેલા રાંધણગૅસને PNG નેટવર્ક દ્વારા હજારો ઘરોમાં પહોંચાડવામાં આવશે.

mumbai news mumbai brihanmumbai municipal corporation lpg crisis