બીજા રાજ્યની પ્રાઇવેટ લક્ઝરી બસને હવે મુંબઈમાં નો એન્ટ્રી?

21 May, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રાફિકની સમસ્યા ઉકેલવા BMCએ તૈયાર કર્યો પ્લાન

પ્રતીકાત્મક તસવીર

શહેરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે વિવિધ પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકલ્પો ઉપરાંત અન્ય યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મુંબઈમાં પ્રાઇવેટ લક્ઝરી બસની એન્ટ્રી બંધ કરવાની વિચારણા પણ ચાલી રહી છે. BMC પ્રાઇવેટ લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ કરતાં રોકવા માટે યોજના બનાવી રહી છે, જે અંતર્ગત એમને દહિસર ટોલનાકા પર જ રોકી દેવાય એવો નિર્ણય લઈ શકાય.

કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર ભારતનાં અન્ય રાજ્યોમાંથી દરરોજ અનેક બસ મુંબઈમાં આવે છે અને વિલે પાર્લે, બોરીવલી, કાંદિવલી, અંધેરી, બાંદરા અને દાદર જેવા વિસ્તારોમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગેરકાયદે પાર્ક પણ કરવામાં આવે છે. એને કારણે ખાસ કરીને પીક-અવર્સના સમયે ટ્રાફિક જૅમ થાય છે જે ઉકેલવા BMC યોજના બનાવી રહી છે.

યોજના પાછળ ૧૨૩૨ કરોડ રૂપિયા ખર્ચાશે, થ્રી-સ્ટાર હોટેલ અને કૅબ જેવી સુવિધા અપાશે
પ્રાઇવેટ બસને દહિસર ટોલનાકા પાસે જ રોકી દેવાશે અને નાગરિકોને અગવડ ન પડે એ માટે ત્યાંથી તેમને જ્યાં જવું હોય એ સ્થળે પહોંચવા માટે મેટ્રો કનેક્ટિવિટી, કૅબ સુવિધાની વ્યવસ્થા કરવા ઉપરાંત થ્રી-સ્ટાર હોટેલ, પાર્કિંગ અને ફૂડ-પ્લાઝા પણ તૈયાર કરવામાં આવશે. આખી યોજના પાછળ ૧૨૩૨ કરોડ રૂપિયા ખર્ચાશે એવો અંદાજ છે.

૪૫૦ બસ પાર્ક થઈ શકે એવા હબનું નિર્માણ થશે 
BMCની યોજના દહિસર ચેકનાકા નજીક ૧૮,૬૦૪ સ્ક્વેરફુટની જમીન પર ૪૫૦ જેટલી બસ પાર્ક કરી શકાય એટલી ક્ષમતા ધરાવતું હબ બનાવવાની છે. આ ઉપરાંત ૧૪૦૦ પ્રાઇવેટ વ્હીકલ્સ પણ આ હબમાં પાર્ક કરી શકાશે. ડિજિટલ સ્ક્રીન ધરાવતી મૉડર્ન વેઇટિંગ રૂમ્સ, રેસ્ટરૂમ્સ, ફૂડ-પ્લાઝા, બૅન્ક્વેટ હૉલ, થ્રી-સ્ટાર હોટેલ સહિતની સુવિધા આ હબમાં ઊભી કરવાની BMCની યોજના છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation mumbai transport