મુંબઈને સ્વચ્છ બનાવવાનો અક્ષય કુમારનો આઇડિયા BMCને ગમ્યો

18 March, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વચ્છ મુંબઈ માટે શરૂ થઈ મુંબઈ ક્લીન લીગ : કૉર્પોરેટ ગ્રુપની કૅટેગરીમાં પહેલું ઇનામ ૧ કરોડ રૂપિયા, રેસિડેન્શિયલ માટે ૧૫ લાખ રૂપિયા; એ સિવાય પણ અઢળક ઇનામો

BMCના હેડક્વૉર્ટર ખાતે મુંબઈ ક્લીન લીગની શરૂઆતના પ્રસંગે અક્ષય કુમાર ઉપસ્થિત રહ્યો હતો.

BMCએ મંગળવારે મુંબઈ ક્લીન લીગની જાહેરાત કરી છે જેમાં સામાન્ય નાગરિકો અને વિવિધ સંસ્થાઓ ભાગ લઈ શકશે. મુંબઈ ક્લીન લીગ સ્પર્ધાનો વિચાર બૉલીવુડ-ઍક્ટર અક્ષય કુમારનો છે અને તે આ લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. BMCના હેડક્વૉર્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીએ મુંબઈ ક્લીન લીગ સ્પર્ધાની જાહેરાત કરી છે. સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટેની આ સ્પર્ધા ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

હાઉસિંગ સોસાયટીઓ, સ્કૂલો, ઝૂંપડપટ્ટીઓ, હોટેલો, બગીચાઓ, જાહેર શૌચાલય અને અન્ય સંસ્થાઓ વિવિધ શ્રેણીઓ હેઠળ ભાગ લઈ શકે છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ આ લીગની દેખરેખ રાખશે.

અક્ષય કુમારે કહ્યું હતું કે સ્પર્ધાનો વિચાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)થી પ્રેરિત હતો અને મેં ચાર-પાંચ મહિના પહેલાં BMCના કમિશનર અને અન્ય લોકો સાથે આ આઇડિયા શૅર કર્યો હતો.
કૉર્પોરેટર ગ્રુપની કૅટેગરીમાં પહેલું ઇનામ એક કરોડ રૂપિયાનું છે અને એ જ રીતે સ્વચ્છ રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ માટે ૧૫ લાખનું ઇનામ છે. 

રજિસ્ટ્રેશન ગઈ કાલથી શરૂ થઈ ગયું છે. https://sba.mcgm.gov.in/bmc/ પર અથવા સોશ્યલ મીડિયા કે હોર્ડિંગ્સ પર મુકાયેલો QR કોડ સ્કૅન કરીને સ્પર્ધાન‌ું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation akshay kumar