07 June, 2023 10:54 AM IST | Mumbai | Sameer Surve
વડાલા રેલવે સ્ટેશન પાસેના રફી અહમદ કિડવાઈ માર્ગ પર રહેલો કચરો જેની ફરિયાદ નિખિલ દેસાઈ કરવા માગતા હતા.
કચરો ઉપાડવામાં ન આવ્યો હોય તો એની ફરિયાદ નોંધાવવા માટે સુધરાઈ દ્વારા સોમવારે ચૅટબોટ લૉન્ચ કરવામાં આવી હતી, પરંતુ એ હજી કામ કરતી નથી. ઍક્ટિવિસ્ટોએ સુધરાઈની કાર્યવાહીને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી હતી, પરંતુ અધિકારીઓએ એવો ખુલાસો કર્યો હતો કે સિસ્ટમને અપડેટ કરવામાં આવી રહી છે અને આગામી બે-ત્રણ દિવસમાં એ શરૂ થઈ જશે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આદેશ બાદ સુધરાઈએ કચરાના નિકાલ માટે પાંચમી જૂનથી ઑનલાઇન કમ્પ્લેઇન સિસ્ટમની શરૂઆત કરી હતી. જોકે લોકો ચૅટબૉટ દ્વારા ફરિયાદ નોંધાવી શકતા નથી. માટુંગામાં રહેતા નિખિલ દેસાઈએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વડાલા રેલવે સ્ટેશન નજીક રફી અહમદ કિડવાઈ રોડ પર કચરા મામલે હું ફરિયાદ નોંધાવવા માગતો હતો, પણ કરી શક્યો નથી. જો સિસ્ટમ શરૂ થઈ ન હોય તો જાહેરાત શા માટે કરવી જોઈએ?’
સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘નાગરિકોની વિવિધ ફરિયાદો અમને મળી હતી. ફરિયાદને લગતી તમામ સમસ્યાની સિસ્ટમને ચૅટબૉટમાં ઉમેરવામાં આવી રહી છે. વળી તમામ અધિકારીઓ સાથે એને સાંકળવામાં આવી રહી છે. બે-ત્રણ દિવસમાં તમામ કામગીરી થઈ જશે.’
સિવિલ ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘સુધરાઈમાં આ રીતે જ કામ ચાલે છે. ઑફિસરો નવી યોજનાની ઘોષણા કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈ જ કરવામાં આવતું નથી. સુધરાઈની ઘણી યોજનાઓ માત્ર કાગળ પર જ છે. જો ચોમાસામાં કચરો રસ્તા પર હોય તો રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. આશા છે કે આ સિસ્ટમ ઝડપથી શરૂ થાય.’