30 October, 2026 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કચરો ફેંકતો માણસ કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.
રસ્તાઓ પર જ્યાં-ત્યાં તથા એક ખૂણામાં કચરાના ઢગલાઓની સમસ્યા દૂર કરવા તથા શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હવે નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. BMCના G-નૉર્થ વૉર્ડમાં ગંદકી કરનારા લોકોની ઓળખ કરીને તેમને દંડ ફટકારવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પાવર્ડ કૅમેરા બેસાડવામાં આવ્યા છે.
આ AI કૅમેરા ગંદકી ફેલાવનારા-કચરો ફેંકનારા લોકોની ફેશ્યલ રેકગ્નિશન દ્વારા ઓળખ કરશે અને તેમને દંડ ફટકારવામાં આવશે એટલું જ નહીં, જ્યારે કોઈ વ્યક્તિ કચરો ફેંકતી હશે ત્યારે તેને કચરો ન ફેંકવાની અને જો કચરો ફેંકશે તો દંડ ભરવો પડશે એવી ચેતવણી આપતું ઑડિયો-રેકૉર્ડિંગ પણ વાગશે.
પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે BMC દ્વારા આ પહેલી જ વખત શહેરને કચરામુક્ત કરવા માટે માહિમના ડૉક્ટર રાયકર માર્ગ પર ગજાનન વાટિકા ખાતે AI-બેઝ્ડ કૅમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે આવનારા દિવસોમાં અન્ય વૉર્ડમાં તબક્કાવાર રીતે આ પ્રકારના કૅમેરા લગાડવામાં આવશે.