BJPએ મુંબઈગરાઓની શું માગણીઓ છે એ જાણવા ગ્રાઉન્ડ-લેવલે કામ શરૂ કર્યું

05 December, 2025 08:03 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

૧.૪૫ લાખ મુંબઈગરાઓએ મુંબઈના વિકાસના વૉલન્ટિયર્સ બનવા તૈયારી દર્શાવી હોવાનો દાવો

ગઈ કાલે મીડિયાને સંબોધન કરતા મુંબઈ BJPના ચીફ અમીત સાટમ.

દેશની સૌથી શ્રીમંત એવી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને નજરમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગ્રાઉન્ડ-લેવલનું કામ ઑલરેડી ચાલુ કરી દીધું છે. એટલું જ નહીં, પાર્ટીનો ચૂંટણીઢંઢોરો બહાર પાડતાં પહેલાં મુંબઈગરાઓની તકલીફો શું છે અને તેમની સુધરાઈ પાસે શું અપેક્ષાઓ છે એ જાણવા પાર્ટીના કાર્યકરોને કામે લગાડ્યા છે. ૧.૪૫ લાખ મુંબઈગરા વૉલન્ટિયર્સ બની રહ્યા હોવાનો પણ દાવો BJPએ કર્યો હતો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ નેતાઓ આશિષ શેલાર, રવીન્દ્ર ચવ્હાણે મુંબઈના પ્રેસિડન્ટ અમીત સાટમના વડપણ અને દોરવણી હેઠળ ‘આવાઝ મુંબઈકરાંચા સંકલ્પ BJPચા’ અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાનને ૨.૬૫ લાખ નાગરિકોએ પ્રતિસાદ આપ્યો છે અને ૧.૪૫ લાખ મુંબઈગરાઓએ એમાં વૉલન્ટિયર્સ બનવાની તૈયારી દર્શાવી છે.

અમીટ સાટમની ઑફિસમાંથી બહાર પાડવામાં આવેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ પ્રતિભાવ આપનારા ૫૩ ટકા લોકો સિવિક સર્વિસિસની ક્વૉલિટીથી નાખુશ છે. મુંબઈગરાઓએ રોડ, પાણીની સપ્લાય, હેલ્થ, એજ્યુકેશન, ઘર અને  રીહૅબિલિટેશનને મુંબઈની મુખ્ય ચૅલે​ન્જિસ ગણાવી હતી. અમીટ સાટમે કહ્યું હતું કે લોકોને રસ્તા પરના ખાડા, ગાર્બેજ કલેક્શન, નાળાંની સફાઈ અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય એ માટેના ઉકેલ તાબડતોબ જોઈએ છે.

કોણે-કોણે આપ્યા પ્રતિભાવ?
BJP દ્વારા ચલાવાયેલા અભિયાનમાં અલગ-અલગ એજ-ગ્રુપના લોકોને સમાવી લેવાયા હતા. બે ટકા લોકો ૧૮ વર્ષ કરતાં ઓછી ઉંમરના હતા, પચીસ ટકા લોકો ૧૮થી ૩૦ વર્ષની વયના હતા, ૬૦ ટકા લોકો ૩૦થી ૬૦ વર્ષની ઉંમરના હતા, ૮ ટકા લોકો ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા. આ ઉપરાંત મુંબઈના વિકાસના મોટા પ્લાન સાથે લોકોના પ્રતિભાવોને પણ પાર્ટી પોતાના ચૂંટણીઢંઢેરામાં સમાવી લેશે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation bmc election bharatiya janata party maharashtra political crisis political news