✕

સુપ્રીમ કોર્ટે ક‌મિશનરનો પગાર અટકાવી દીધો એટલે BMC અચાનક ઍક્શનમાં

05 November, 2026 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં બસ-સ્ટૉપના પ્લૉટ પરથી ૨૭ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં

બોરીવલી (ઈસ્ટ)માં સ્વામી વિવેકાનંદ રોડ પરના ૩૪૦૦ ચોરસ મીટરના પ્લૉટ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ કમિશનરનો નવેમ્બર મહિનાનો પગાર રોકવાનો આદેશ આપ્યાના ૨૪ કલાકમાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હરકતમાં આવ્યું છે. તંત્રએ બુધવારે બોરીવલીમાં બસ-સ્ટૉપ માટે અનામત રાખેલા એક પ્લૉટ પરથી ૨૭ કમર્શિયલ બાંધકામો તોડી પાડીને જમીન ખાલી કરાવી હતી.

BMCએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે બોરીવલી (ઈસ્ટ) ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ રોડ પરના આ પ્લૉટ પરથી તમામ દબાણો દૂર કરી દેવામાં આવ્યાં છે. ટાઉન-પ્લાનિંગ સ્કીમ-II હેઠળ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના બસ-સ્ટૉપ માટે અનામત રાખવામાં આવેલા ૩૪૦૦ ચોરસ મીટરના પ્લૉટ પર આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
BMCના R-સેન્ટ્રલ વૉર્ડ દ્વારા ૭૦ કામદારો અને સ્ટાફની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ-જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે મંગળવારે આ જમીન પરથી દબાણો હટાવવામાં નિષ્ફળ રહેવા બદલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ‌ભિડેને કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ ફટકારી હતી. આ સાથે અદાલતે તેમનો અને સંબંધિત અધિકારીઓનો નવેમ્બર મહિનાનો પગાર અટકાવવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, આદેશના પાલન માટે પાલિકાએ માગેલી વધારાની ૩૦ દિવસની મુદત પણ ફગાવી દઈને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

બોરીવલીનો આ પ્લૉટ લાંબા સમયથી પાલિકા અને એક પ્રાઇવેટ ડેવલપર વચ્ચે કાનૂની વિવાદમાં ફસાયેલો હતો. ઑગસ્ટ ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે ડેવલપરને આ પ્લૉટ કોઈ પણ જાતના દબાણ વિના એક ઍડ્‌મિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ સાથે BMCને સોંપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.

mumbai news mumbai borivali supreme court brihanmumbai municipal corporation