15 December, 2024 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરીટ સોમૈયા મંદિરમાં આવ્યા ત્યારે ઉદ્ધવસેનાના કાર્યકરો પણ ત્યાં ભેગા થયા હતા અને તેમણે તેમની સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. તસવીરો : શાદાબ ખાન
દાદર-ઈસ્ટમાં રેલવેની જમીન પર આવેલા હનુમાન મંદિરને તોડવાની નોટિસ મળવાના વિવાદ વચ્ચે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયા આ મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં હનુમાનજીનાં દર્શન કર્યા બાદ કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘રેલવેએ ૮૦ વર્ષ જૂના આ મંદિરને તોડવા માટેની નોટિસ આપી હોવાનું અમારા ધ્યાનમાં આવતાં અમે રેલવેના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. રેલવેએ કહ્યું હતું કે ભૂલથી આ નોટિસ મોકલવામાં આવી છે. આથી આ મંદિર તોડવાનો કોઈ સવાલ જ નથી થતો. ઉદ્ધવ ઠાકરેની અવસ્થા ન ઘરના, ન ઘાટના જેવી થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે વોટ જેહાદને સમર્થન આપતાં લોકોએ જાકારો આપ્યો એટલે તેઓ નિરાશ થઈ ગયા છે અને હિન્દુત્વના મુદ્દે સ્ટન્ટબાજી કરી રહ્યા છે. જેમણે હનુમાન ચાલીસા બોલનારાઓને જેલમાં નાખ્યા હતા તે હવે હિન્દુત્વની ભાષા બોલી રહ્યા છે, તેમણે હનુમાનનાં ચરણે જવું પડ્યું છે. અમે કંઈ ઉદ્ધવસેના નથી જેણે બાપનું નામ ડુબાવ્યું.’
ઉલ્લેખનીય છે કે કિરીટ સોમૈયા હનુમાન મંદિરમાં હતા ત્યારે મંદિરની બહાર મોટી સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકો પહોંચી ગયા હતા અને તેમણે કિરીટ સોમૈયા સામે સૂત્રોચ્ચાર કરીને ધમાલ મચાવી હતી. જોકે પોલીસે મામલો સંભાળી લેતાં કિરીટ સોમૈયા મંદિરમાંથી બહાર નીકળી શક્યા હતા.