શિવસેનાના ૫૦ વાઘને કારણે જ બીજેપીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું

15 June, 2023 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે જૂથ અને બીજેપી વચ્ચે જોરદાર જામી છે ત્યારે શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે બીજેપીના સાંસદ અનિલ બોંડેને સણસણતો જવાબ આપ્યો

ફાઇલ તસવીર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે આપેલી એક જાહેરાત પરથી એકનાથ શિંદે જૂથ અને બીજેપી વચ્ચે જોરદાર વિવાદ ઊભો થયો છે. આ જાહેરાતમાં એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ કરતાં વધુ લોકપ્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વિશે બીજેપીના સાંસદ અનિલ બોંડેએ ગઈ કાલે એકનાથ શિંદેની ટીકા કરતાં કહ્યું હતું કે દેડકો ગમે એટલો ફુલાય તો પણ એ હાથી નથી બની શકતો. તેમની આ ટીકાનો જવાબ આપતાં એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે એકનાથ શિંદે વાઘ છે અને શિવસેનાના ૫૦ વાઘને લીધે જ બીજેપીને રાજ્યના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં બનેલી રાજ્ય સરકારને હજી એક વર્ષ પણ નથી થયું ત્યાં બંને પક્ષ વચ્ચે વિવાદ ઊભો થયો છે.

મહારાષ્ટ્રમાં આજની સ્થિતિમાં કયા નેતા લોકપ્રિય છે અને કયા પક્ષને કેટલા ટકા મતદારોનો ટેકો છે એ બાબતનો એક સર્વે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ સર્વેક્ષણમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વધુ લોકપ્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત પણ આપવામાં આવી છે એને લીધે સત્તાધારી એકનાથ શિંદે જૂથ અને બીજેપી વચ્ચે જોરદાર જામી છે.

દેવેન્દ્ર ફડણવીસ કરતાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય હોવાનો જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે એની બીજેપીના સાંસદ અનિલ બોંડેએ પહેલી વખત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરતાં કહ્યું હતું કે દેડકો ગમે એટલો ફૂલે તો પણ એ હાથી ક્યારેય ન બની શકે.

એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે અનિલ બોંડેની ટીકાનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘શિવસેના અને એકનાથ શિંદે વાઘ છે અને ૫૦ વાઘને લીધે જ રાજ્યના પ્રધાનમંડળમાં બીજેપીના નેતાઓને સ્થાન મળ્યું છે. મુખ્ય પ્રધાનની જનતા વાહ-વાહ કરતી હોય તો એ સત્યને પચાવવાની તાકાત રાજકીય નેતાઓએ રાખવી જોઈએ. શરૂઆતમાં બીજેપીના માત્ર બે જ સાંસદ હતા, આજે ૩૦૦થી વધુની સંખ્યા છે. અમારા નેતા વિશે આવી ભાષા બીજેપીના નેતા કરે છે એના પર વરિષ્ઠ નેતાઓએ ધ્યાન રાખવું જોઈએ.

સંજય ગાયકવાડે બીજેપીની ઔકાત કાઢતાં કહ્યું હતું કે ‘બીજેપી શિવસેનાના મતદારસંઘમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે. તમે કોની સાથે રહીને મોટા થયા એનો વિચાર કરો. બાળાસાહેબ ઠાકરેની આંગળી પકડીને તમે મોટા થયા. નહીં તો તમારી શું ઔકાત હતી એ ધ્યાનમાં રાખવું જોઈએ.’

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘એકનાથ શિંદે ઉત્કૃષ્ટ છે, પણ દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની તુલના ન થઈ શકે. એકનાથ શિંદે વધુ લોકપ્રિય હોવા બાબતની જાહેરાતથી બીજેપીના પદાધિકારીઓને દુ:ખ પહોંચ્યું છે એ વાત સાચી છે. બંને નેતાઓની તુલના થઈ જ ન શકે અને એ ચોંકાવનારી છે. ફરી આવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસ પાંચ વર્ષ મુખ્ય પ્રધાન હતા અને બીજેપીના તેઓ સર્વોત્તમ નેતા છે એટલે તેમની ક્વૉલિટી છે. તેમણે રાજ્યમાં લાખો કાર્યકરો બનાવ્યા છે. પક્ષને આગળ વધારવાનું તેમણે કામ કર્યું છે. આથી બીજેપીના પદાધિકારી, વિધાનસભ્યો અને સાંસદો દેવેન્દ્ર ફડણવીસને એકનાથ શિંદે કરતાં ઓછા લોકપ્રિય બતાવ્યા હોવાની જાહેરાતથી દુ:ખી છે. હું બંને નેતાઓની મુલાકાત લઈશ.’

જે પોતાના કાર્યથી આગળ જાય છે તેને કોઈ નીચા ન દેખાડી શકે : અજિત પવાર

દેશભરનાં અગ્રણી અખબારોમાં પહેલા પાના પર મંગળવારે આપવામાં આવેલી જાહેરાતમાં દેવેન્દ્ર ફડણવીસ કરતાં એકનાથ શિંદે વધુ લોકપ્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, રાષ્ટ્રમાં મોદી અને મહારાષ્ટ્રમાં શિંદે એવો સંદેશ પણ જાહેરાતમાં આપવામાં આવ્યો હતો. બીજેપીના નેતાઓએ આવી જાહેરાત સામે નારાજગી વ્યક્ત કરતાં ગઈ કાલે શિંદે જૂથ દ્વારા નવી જાહેરાત આપવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસ સહિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહના ફોટો મૂકવામાં આવ્યા હતા. એક જાહેરાતમાં દેવેન્દ્ર ફડણવીસને નીચા દેખાડવામાં આવ્યા અને બીજી જાહેરાતમાં ફડણવીસને સન્માન આપવામાં આવ્યું હતું. આ વિશે પત્રકારોએ સવાલ કર્યો હતો, જવાબમાં વિરોધ પક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે ‘જે પોતાના કાર્યથી આગળ જાય છે તેને કોઈ નીચા ન દેખાડી શકે. મરાઠી ભાષામાં કહેવત છે કે મરઘાને ગમે એટલો ઢાંકવામાં આવે તો પણ સવાર થતાંની સાથે એ બાંગ પોકારશે જ. કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિ કર્મશીલ હોય તેનામાં નેતૃત્વના ગુણ હોય. સંગઠનનું કૌશલ્ય હોય તેનામાં આગળ વધવાની તાકાત હોય છે. આવી વ્યક્તિને કોઈ રોકવાનો પ્રયાસ કરે તો પણ તેને રોકી ન શકાય. હું છેલ્લાં કેટલાંક વર્ષથી દેવેન્દ્ર ફડણવીસનું કામ જોઉં છું. પાંચ વર્ષ મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા તેમને મેં જોયા છે. તેમની પાછળ વિધાનસભ્યોનું પીઠબળ છે.’  આમ કહીને અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ જ રાજ્ય સરકારમાં અત્યારે સૌથી લોકપ્રિય નેતા હોવાનું આડકતરી રીતે કહી દીધું છે.

eknath shinde shiv sena devendra fadnavis bharatiya janata party indian politics political news ajit pawar maharashtra mumbai mumbai news