✕

અનન્યા પાંડેની વહારે આવી બૉમ્બે હાઈ કોર્ટ

06 November, 2026 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનાં તસવીરો અને AIથી બનાવેલા ફેક વિડિયોનો ગેરકાયદે ઉપયોગ કરવા પર પ્રતિબંધ

અનન્યા પાંડે

બૉમ્બે હાઈ કોર્ટે અનન્યા પાંડેને તેની ઓળખના દુરુપયોગ સામે વચગાળાની રાહત આપી છે. કોર્ટે તેની તસવીરો, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલી નકલી તસવીરો અને વિડિયો-ક્લિપ્સનો તેની પરવાનગી વિના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ અનન્યા દ્વારા ઓળખવામાં આવેલી વાંધાજનક સામગ્રીને ઇન્ટરનેટ પરથી દૂર કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

અનન્યાએ પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણની માગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેની ફરિયાદ હતી કે અનેક પ્રોડક્ટ્સ અને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ તેની તસવીરો ઉપરાંત AI દ્વારા બનાવવામાં આવેલી તસવીરો અને વિડિયોનો પણ તેની પરવાનગી વિના ઉપયોગ કરી રહ્યાં છે.

અનન્યાની અરજીમાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર તેની ઓળખનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવતો હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેણે કોર્ટને અપીલ કરી હતી કે તેની તસવીરો અને તેની સાથે જોડાયેલી અન્ય સામગ્રીનો તેની સંમતિ વિના ઉપયોગ કરવા તથા શૅર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ મામલા સાથે જોડાયેલી સામગ્રીની તપાસ કર્યા બાદ બૉમ્બે હાઈ કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ અનન્યાનો પક્ષ યોગ્ય હોવાનું માન્યું હતું. આ પછી કોર્ટે 

આવી વાંધાજનક સામગ્રી ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જોકે હાલપૂરતી આ રાહત વચગાળાની છે અને મામલાની આગળની સુનાવણી ચાલુ રહેશે.

mumbai news mumbai Ananya Panday mumbai high court bombay high court ai artificial intelligence