02 November, 2024 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઍન્ટૉપ હિલમાં ફટાકડા ફોડવાના મુદ્દે થયેલા ઝઘડામાં એક ગ્રુપે બીજા ગ્રુપના યુવાનને માર મારતાં તેનું મૃત્યુ થયું હતું. ઍન્ટૉપ હિલ પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધી પાંચ આરોપી યુવાનોની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી.
દિવાળી નિમિત્તે ગઈ કાલે પરોઢિયે ઍન્ટૉપ હિલના કોકરીના આગાર પાસેના જય મહારાષ્ટ્રનગરની સાંકડી ગલીમાં આ ઘટના બની હતી. ત્યાં રહેતો વિવેક ગુપ્તા અન્ય રહેવાસીઓ સાથે ફટાકડા ફોડી રહ્યો હતો. એ વખતે મુખ્ય આરોપી કાર્તિક ત્યાંથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તેણે ફટાકડા ફોડી રહેલા યુવાનોને થોડી વાર ઊભા રહેવા કહ્યું ત્યારે કેટલાકે તેને હળવો માર મારતાં તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.
થોડી વાર બાદ તે તેના ભાઈ, પત્ની અને મિત્રો સાથે લાકડીઓ અને ક્રિકેટ-બૅટ સાથે ત્યાં આવ્યો હતો અને વિવેક અને તેના ગ્રુપ પર હુમલો કરી દીધો હતો. એ વખતે બન્ને ગ્રુપ એકમેક પર હુમલો કરી રહ્યાં હતાં. વિવેકના ગ્રુપમાંથી એક જણે ચાકુ બહાર કાઢ્યું હતું, પણ ઝપાઝપી દરમ્યાન એ પડી ગયું અને કાર્તિકના ગ્રુપના રાજ પુટ્ટીએ એ ઉપાડીને વિવેક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. એને કારણે હોહા મચી જતાં કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં વિવેકને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
ઍન્ટૉપ હિલ પોલીસે આ સંદર્ભે પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ આ કેસમાં સંડાવાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરવા અને તેમને શોધવા ઘટનાસ્થળના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરી રહી છે.