01 September, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ના હજારેની ફાઇલ તસવીર
જેષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે (Anna Hazare)ની તબિયત લથડતાં તેમને મુંબઈ (Mumbai)ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો તેમને સતત નિગરાની હેઠળ રાખીને સારવાર આપી રહ્યા છે. ૮૯ વર્ષીય ગાંધીવાદી નેતાને વધુ તબીબી તપાસ અર્થે મહારાષ્ટ્ર (Maharashtra)ના અહલ્યાનગર (અહમદનગર) જિલ્લામાંથી મુંબઈ લાવવામાં આવ્યા છે. તેમના સહયોગીઓએ માહિતી આપી છે કે, અન્ના હજારે સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે અને હાલમાં તેમની સ્થિતિ સ્થિર છે.
સામાજિક કાર્યકર્તા અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના પ્રણેતા અન્ના હજારેની તબિયત લથડતાં (Anna Hazare Hospitalised) સોમવાર, ૩૧ ઓગસ્ટની રાત્રે દક્ષિણ મુંબઈ સ્થિત બોમ્બે હોસ્પિટલ (Bombay Hopsital)ના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે. ૮૯ વર્ષીય અન્ના હજારેને શરીરમાં પાણીની ભારે ઘટ (ડિહાઇડ્રેશન), વાયરલ ફીવર અને ક્રેટીનાઇનનું પ્રમાણ વધતાં કીડનીમાં ઇન્ફેક્શન થવાથી કાર્ડિયાક એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ લાવવામાં આવ્યા હતા.
અન્ના હજારેના સહયોગીઓના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે અહમદનગર (અહલ્યાનગર) જિલ્લાના રાલેગણ સિદ્ધિ (Ralegan Siddhi) ગામ ખાતે તેમને પેશાબમાં તકલીફ અને વાયરલ ઇન્ફેક્શનની અસર જણાતાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સ્થિર થઈ હતી, પરંતુ લોહીના રિપોર્ટમાં ક્રેટીનાઇન લેવલ વધેલું આવતાં કીડનીમાં ઇન્ફેક્શન હોવાનું બહાર આવ્યું હતું.
ડોક્ટરોની સલાહ બાદ તેમના કેરટેકર્સ અને સહયોગીઓ સોમવારે રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે રસ્તા માર્ગે એમ્બ્યુલન્સ દ્વારા તેમને વધુ સારવાર માટે મુંબઈ લઈને આવ્યા હતા.
બોમ્બે હોસ્પિટલના તબીબી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે અન્ના હજારેને દાખલ કરતા જ ડો. ગૌતમ ભણસાલીના નેતૃત્વ હેઠળની સ્પેશિયાલિસ્ટ ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. કીડનીની કાર્યક્ષમતા અને અન્ય શારીરિક માપદંડો ચકાસવા માટે જરૂરી બ્લડ ટેસ્ટ અને અન્ય ઈમેજિંગ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે.
અન્ના હજારેના નજીકના સહયોગી દત્તા આવારીએ જણાવ્યું હતું કે, ‘અન્નાના બ્લડ રિપોર્ટ મુજબ તેમને કીડનીમાં ઇન્ફેક્શન હતું, પરંતુ હવે તેમની સ્થિતિ સારી છે.’ ડોક્ટરોએ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રવાહી (ફ્લુઇડ) આપ્યા બાદ તેમના શરીરમાં ડિહાઇડ્રેશનની અસર ઘટી છે અને હાલમાં તેમની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગાંધીવાદી વિચારસરણી ધરાવતા અન્ના હજારેએ વર્ષ ૨૦૧૧માં નવી દિલ્હી (New Delhi) ખાતે જન લોકપાલ બિલની માંગ સાથે ૧૩ દિવસના ઉપવાસ કરીને `ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન` (IAC) આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, જેનાથી તેઓ સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યા હતા. આ આંદોલને દેશભરના લાખો લોકોને એકજૂથ કર્યા હતા અને કાનૂની સુધારાઓ માટે પાયો નાખ્યો હતો.
પદ્મભૂષણથી સન્માનિત અન્ના હજારેએ પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં જળ સંચય, ગ્રામીણ આત્મનિર્ભરતા અને સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રે પણ દાયકાઓ સુધી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. તેમની તબિયતમાં સુધારા અંગે સમગ્ર મહારાષ્ટ્ર અને દેશભરના તેમના સમર્થકો સતત અપડેટ્સ મેળવી રહ્યા છે.