28 January, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈફ અલી ખાન
સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરવાની ઘટનામાં હવે નવો વિવાદ ઊભો થયો છે. ઇન્શ્યૉરન્સ કંપની નીવા બુપાએ લીલાવતી હૉસ્પિટલે રજૂ કરેલા ૩૬ લાખ રૂપિયાના કૅશલેસ મેડિક્લેમ સામે ૨૫ લાખ રૂપિયાની ઝડપથી મંજૂરી આપી દીધી હતી. ઇન્શ્યૉરન્સ કંપની દ્વારા સેલિબ્રિટીના સ્ટેટસને આધારે સ્પેશ્યલ સુવિધા આપવાના ડબલ સ્ટાન્ડર્ડ પર અસોસિએશન ઑફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ, મુંબઈ (AMCM)એ સવાલ કર્યો છે અને આ બાબતે તપાસ કરવાની માગણી કરતો પત્ર ભારત સરકારની ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (IRDA)ને આપ્યો છે. AMCMનું કહેવું છે કે મેડિકલ ઇન્શ્યૉરન્સ કંપની સેલિબ્રિટી અને હાઈ પ્રોફાઇલ લોકોને એકસાથે લાખો રૂપિયાનું કૅશલેસ પેમેન્ટ મંજૂર કરે છે તો સામાન્ય પૉલિસી-હોલ્ડરોને કેમ નથી આપતી? આ મામલે તપાસ કરવી જોઈએ.
સૈફ અલી ખાનને બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં પાંચ દિવસ ઍડ્મિટ કરવામાં આવ્યો હતો અને તેના પર બે મોટી સર્જરી કરવામાં આવી હતી. સૈફ પાસે નવી બુપા ઇન્શ્યૉરન્સ કંપનીની મેડિકલ પૉલિસી છે. આથી હૉસ્પિટલે કંપનીમાં ૩૬ લાખ રૂપિયા કૅશલેસ અપ્રૂવ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી. ઇન્શ્યૉરન્સ કંપનીએ પચીસ લાખ રૂપિયાનું કૅશલેસ અપ્રૂવલ આપ્યું હતું અને બાકીની રકમનો ક્લેમ ગાઇડલાઇન્સના હિસાબે પ્રોસેસ કરવાનું કહ્યું હતું.
મુંબઈ, પુણે અને નાશિક સહિત મહારાષ્ટ્રનાં શહેરો ઉપરાંત ગોવાની બ્રાન્ચમાં ૧૪,૦૦૦ મેમ્બર ધરાવતા AMCMએ IRDAને લખેલા પત્રમાં સેલિબ્રિટી પૉલિસી-હોલ્ડર અને સામાન્ય પૉલિસી-હોલ્ડર વચ્ચે કરવામાં આવતા ભેદભાવ બાબતે તપાસ કરવાની તથા સામાન્ય નાગરિકોને કૅશલેસની સુવિધા ઓછી મળે છે એટલે ક્લેમ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ મુદ્દે સવાલ કર્યો છે.