28 February, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત પછી ભેગી થયેલી ભીડને દૂર કરી રહેલી પોલીસ.
પુણેની બળાત્કારની ઘટનાને કારણે લોકોમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના રેઢિયાળ કારભાર સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ગઈ કાલે અલીબાગમાં ડેપોમાં એન્ટર થઈ રહેલી બે બસની વચ્ચે બાઇક પર જઈ રહેલો સ્ટુડન્ટ આવી ગયો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં એક રિક્ષાને પણ ટક્કર લાગતાં નુકસાન થયું હતું. ત્યાર બાદ મૃત્યુ પામેલા સ્ટુડન્ટનાં સગાંઓેએ ભેગા મળી જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને STની બસો પર પથ્થરમારો પણ કર્યો હતો.
બન્ને બસ ડેપોમાં એન્ટ્રી લઈ રહી હતી ત્યારે પાછળની બસે આગળ બાઇક પર જઈ રહેલા જયદીપ શેખર બનાને ટક્કર મારી હતી એથી તે આગળ જઈ રહેલી બસને અથડાયો હતો. આમ બન્ને બસની વચ્ચે આવી જતાં તેનું મૃત્યુ થયું હતું. તેના પરિવારજનોએ કરેલા પથ્થરમારાને લીધે મામલો બિચક્યો હતો. એથી પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી હતી અને ત્યાર બાદ મામાલો શાંત પડ્યો હતો.