25 October, 2024 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે પાટીલ
સલમાન ખાનને ધમકી આપવાની સાથે બાબા સિદ્દીકીની હત્યા કરવાનો દાવો કરનારી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના નિશાના પર હવે મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા મનોજ જરાંગે પાટીલને જાનથી મારી નાખવાની પોસ્ટ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં કરવામાં આવી હતી. બજાજ બિશ્નોઈના નામે એક યુટ્યુબ ચૅનલના મેસેજ-બૉક્સમાં લખવામાં આવ્યું હતું કે ‘૧૦ મિનિટમાં મનોજ જરાંગે પાટીલની ગેમ કરવામાં આવશે. અમારો એક મેમ્બર ઉમેદવારી મેળવવા માટે તમારી પાસે આવશે.’
મનોજ જરાંગે પાટીલને અગાઉ પણ ધમકી આપવામાં આવી છે એટલે તેમને પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. હવે બિશ્નોઈ ગૅન્ગે પણ ધમકી આપી છે એટલે મનોજ જરાંગે પાટીલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ધમકી આપવામાં આવી છે એ અકાઉન્ટ ફેક હોવાની શક્યતા છે. જોકે પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી છે અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.