14 April, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બારામતીમાં પ્રચાર કરતાં સુનેત્રા પવાર.
અજિત પવારનું અચાનક નિધન થતાં બારામતીની પેટાચૂંટણી યોજાવાની છે, પણ એની સાથે હવે સુનેત્રા પવારને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી ખાસ કરીને બારામતીમાં આ ચૂંટણીપ્રચાર દરમ્યાન ઊઠી રહી છે. એ માટે બારામતીમાં પોસ્ટર પણ લાગ્યાં છે એટલું જ નહીં, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતાઓ પણ આવું ગાણું ગાઈ રહ્યા છે. એ માટે અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા પણ મુખ્ય પ્રધાન બનવાનું તેમનું સપનું અધૂરું રહી ગયું એ હવે સુનેત્રા પવાર પૂરું કરશે એવી ઇચ્છા હવે જાહેર મંચ પરથી અને ઑન કૅમેરા વ્યક્ત થઈ રહી છે.
રાજ્યનાં મહિલા અને બાલ કલ્યાણ ખાતાનાં પ્રધાન તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં નેતા અદિતિ તટકરેએ બારામતીમાં પ્રચાર દરમ્યાન આ વાત જાહેર મંચ પરથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અજિત પવાર રાજ્યના મુખ્ય પ્રધાન ન બની શક્યા એ તેમની કમનસીબી અને સાથે રાજ્યની પણ કમનસીબી છે. મને ખાતરી છે કે આવનારા સમયમાં સુનેત્રા પવાર રાજ્યનાં મુખ્ય પ્રધાન બનીને તેમનું સપનું પૂરું કરશે.’
બીજી બાજુ NCPના નેતા છગન ભુજબળે પણ કહ્યું હતું કે ‘સુનેત્રાતાઈ પવાર મુખ્ય પ્રધાન બને એવી પરિસ્થિતિ સર્જાઈ શકે. આ પહેલાં પણ ઘણી મહિલાઓ મુખ્ય પ્રધાન બની ચૂકી છે.’
વળી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને પણ પત્રકાર-પરિષદમાં સુનેત્રા પવારને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી થઈ રહી છે એવો પ્રશ્ન પુછાતાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેને બાજુએ મૂકીને જો સુનેત્રા પવારને મુખ્ય પ્રધાન બનાવે તો એ સારી વાત છે.
આમ બારામતીની ચૂંટણી હવે સુનેત્રા પવારને મુખ્ય પ્રધાન બનવાવવાના પ્રચારમાં ફેરવાઈ ગઈ હોવાનું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. જોકે આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.