02 August, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ ACP દયા નાયક
૩૦ વર્ષની સર્વિસમાં ૮૬ જેટલા ગૅન્ગસ્ટરને મોતને ઘાટ ઉતારનાર એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે પ્રખ્યાત અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) દયા નાયક ગુરુવારે રિટાયર થયા હતા.
૧૯૯૬માં જુહુમાં છોટા રાજનની ગૅન્ગના બે સભ્યોને એન્કાઉન્ટરમાં ઉડાવ્યા બાદ દયા નાયકને એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે લોકો ઓળખવા લાગ્યા હતા. દયા નાયકે કુખ્યાત ગૅન્ગસ્ટર દાઉદની ગૅન્ગના બાવીસ, છોટા રાજનની ગૅન્ગના ૨૦ ગૅન્ગસ્ટરને માર્યા હતા. કંદહાર વિમાન હાઇજૅકની ઘટનાના ૩ આતંકવાદીઓને પણ દયા નાયકે ઠાર કર્યા હતા. આ ઉપરાંત લિબરેશન ટાઇગર્સ ઑફ તામિલ ઈલમ (LTTE) અને લશ્કરે તય્યબા જેવાં પ્રતિબંધિત સંગઠનો પણ દયા નાયકના નામથી થથરતાં હતાં.
કર્ણાટકના ઉડુપીમાં જન્મેલા દયા નાયક મુંબઈમાં આવીને પ્લમ્બર ઍપ્રેન્ટિસ તરીકે નોકરી કરતા હતા ત્યારે તેમની ઓળખાણ ઍન્ટિ-નાર્કોટિક્સ વિભાગના પોલીસ-અધિકારીઓ સાથે થઈ ત્યારથી તેમને પોલીસ ફોર્સમાં જોડાવાની પ્રેરણા મળી હતી. પોલીસ ઍકૅડેમીની ૧૯૯૫ના બૅચના સબ-ઇન્સ્પેક્ટર દયા નાયકે રિટાયરમેન્ટના બે દિવસ પહેલાં જ ACP તરીકેનો પદભાર સંભાળ્યો હતો. એ પહેલાં તેઓ બાંદરાની ક્રાઇમ બ્રાન્ચ યુનિટમાં સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)ની ટીમનો ભાગ હતા.
અનેક વાર તેઓ અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનમાં શંકાના ઘેરામાં આવ્યા હતા, પરંતુ કાર્યવાહી બાદ તેમને ક્લીન ચિટ મળી હતી. બૉલીવુડની ‘અબ તક છપ્પન’, ‘રિસ્ક’ અને ‘ડિપાર્ટમેન્ટ’ તથા કન્નડ ફિલ્મ ‘એન્કાઉન્ટર દયા નાયક’ તેમ જ તેલુગુ ફિલ્મ ‘ગોલીબાર’ તેમના જીવનથી પ્રેરિત ફિલ્મો હતી.