13 March, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહાણુ પાસે આવેલા વાણગાંવના સામુદ્રી માતાના મંદિરમાંથી ૨૭ ફેબ્રુઆરીની રાત્રે થયેલી ચોરીના ૪૨ વર્ષના આરોપીને પોલીસે પકડી લીધો છે. જ્યારથી મંદિરમાં ચોરી થઈ ત્યારથી પોલીસ અલગ-અલગ લીડ પર કામ કરી રહી હતી એમાં તેમને નાશિકથી એક મહત્ત્વની લીડ મળી હતી. એના આધારે તપાસ કરીને આરોપી સુભાષ કેવટને નાશિકથી પકડવામાં આવ્યો હતો.
૨૭ ફેબ્રુઆરીની રાત્રે મંદિરના પાછળના દરવાજાની કડી તોડીને ચોર મંદિરમાં પ્રવેશ્યો હતો અને ત્યાર બાદ તેણે માતાજીનો ચાંદીનો મુગટ, શંકર ભગવાનના શિવલિંગ પર ચડાવાતું ચાંદીનું મહોરું અને દાનપેટીમાંના રૂપિયા અને ચાંદીના દાગીના મળીને કુલ ૨.૩૫ લાખની મતા ચોરી લીધી હતી. જોકે પોલીસે તેની પાસેથી બધી માલમતા જપ્ત કરી લીધી છે જેમાં ૧૫,૦૦૦ રૂપિયાનો પણ સમાવેશ છે.