ACના કૉમ્પ્રેસરમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ઘરનો સામાન ખાખ

10 January, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર-વેસ્ટની ઘટના, જોકે જાનહાનિ ટળી: ૪૫૦ રહેવાસીઓએ રાત બાજુની પાટીદાર વાડીમાં વિતાવી

આગમાં નુકસાન પામેલો શિવનગર સોસાયટીનો ફ્લૅટ

ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી પાટીદાર વાડીની બાજુની શિવનગર કર્મભૂમિ સોસાયટીની C વિંગના ફ્લૅટ-નંબર ૩૦૬માં ગૅલરીમાં બેસાડવામાં આવેલા ઍર-કન્ડિશનર (AC)ના કૉમ્પ્રેસરમાં વિસ્ફોટ થવાથી અચાનક આગ લાગી હતી. આગ ગુરુવારે રાતના ૧૨.૩૦ વાગ્યે લાગી હતી જેમાં ઘરનો બધો જ સામાન બળીને રાખ થઈ ગયો હતો. જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. જે ફ્લૅટમાં આગ લાગી એમાં એક યુવતી એકલી જ રહે છે. ધડાકાનો અવાજ સંભળાતાં જ તે ભાગીને ફ્લૅટની બહાર નીકળી ગઈ હતી. થોડી વારમાં જ તેના બેડરૂમમાં આગ ફાટી નીકળી હતી જે હવાને લીધે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. આગ ફેલાતાં જ રહેવાસીઓમાં દોડાદોડી મચી ગઈ હતી. લોકો જાન બચાવવા ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા. 
અમારી સોસાયટીની ફાયર ઇક્વિપમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ હતી એમ જણાવતાં બિલ્ડિંગના રહેવાસી જયેશ મોરેએ કહ્યું હતું કે ‘આગ શરૂ થતાં જ અમારી સોસાયટીના અમુક રહેવાસીઓએ પાણી નાખીને એને ઓલવવાની નિષ્ફળ કોશિશ કરી હતી. એ પહેલાં અમે સોસાયટીની લિફ્ટ, લાઇટ અને મહાનગર ગૅસની લાઇન બંધ કરી દીધી હતી. ફાયર-બ્રિગેડ પોણા કલાકે પહોંચી હતી. એ પહેલાં તો જે ફ્લૅટમાં આગ લાગી હતી એ બળીને ખાખ થઈ ગયો હતો. રહેવાસીઓને સવારે ૪ વાગ્યા સુધી‌ બાજુની પાટીદાર વાડીમાં આશરો આપવામાં આવ્યો હતો.’ 

ghatkopar mumbai fire brigade fire incident mumbai mumbai news