03 August, 2024 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર
ખંડાલાથી વડોદરા જઈ રહેલી એક ટ્રક ગઈ કાલે સવારે ૮.૫૬ વાગ્યે થાણેથી ગુજરાત તરફ જતા ઘોડબંદર રોડ પર પાતલીપાડા બ્રિજ નીચે પલટી ખાઈ ગઈ હતી. એને કારણે એ ટ્રકમાં ભરેલાં ૨૬ ટન પેઇન્ટનાં કૅન રસ્તા પર પટકાતાં તૂટી ગયાં હતાં અને એમાંનો મોટા ભાગનો પેઇન્ટ રસ્તા પર ફેલાઈ જતાં કલાકો સુધી રસ્તો જૅમ થઈ ગયો હતો. એ ટ્રક અને પેઇન્ટ હટાવતાં ચાર કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. એ પછી ત્યાંથી રાબેતા મુજબનો ટ્રાફિક શરૂ થઈ શક્યો હતો.
રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હેવી ટ્રક હોવાથી એ પાતલીપાડા બ્રિજ નીચેના સર્વિસ રોડથી આગળ વધી રહી હતી ત્યારે પલટી ખાઈ ગઈ હતી. એથી એમાં ટ્રાન્સપોર્ટ થઈ રહેલા પેઇન્ટના ડબ્બા રસ્તા પર પટકાતાં એમાંનો સફેદ પેઇન્ટ ઢોળાઈ ગયો હતો. એથી ત્યાંથી બીજાં વાહનોની અવરજવર અટકાવી દેવાઈ હતી. અમારા ડિઝૅસ્ટર સેલના જવાનો, ટ્રાફિક-પોલીસ અને ફાયર-બ્રિગેડના જવાનોએ પલટી ખાઈ ગયેલી ટ્રક બે ક્રેનની મદદથી સાઇડ પર કરીને રસ્તા પર ઢોળાયેલા પેઇન્ટને હટાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. બહુ લાંબા પટ્ટા પર એ પેઇન્ટ ઢોળાયો હોવાથી એ કાઢવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું.’