07 November, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મીરા રોડના નયાનગર પોલીસ-સ્ટેશનમાં તહેનાત સબ-ઇન્સ્પેક્ટર અમિત આવ્હાળ અને પોલીસ-કૉન્સ્ટેબલ પ્રથમેશ પાટીલે બળાત્કારનો કેસ રફેદફે કરવા માટે આરોપી પાસેથી ૧૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. બળાત્કારના આરોપીએ થાણેના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)માં ફરિયાદ નોંધાવતાં ગઈ કાલે સવારે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ કૉન્સ્ટેબલ પ્રથમેશ પાટીલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સબ-ઇન્સ્પેક્ટર અમિત આવ્હાળ પલાયન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહી કરનારાં થાણે ACBનાં ઇન્સ્પેક્ટર રૂપાલી પોળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમીર શેખ નામના આરોપી સામે નયાનગર પોલીસ-સ્ટેશનમાં બળાત્કાર કરવાની ફરિયાદ એક મહિના પહેલાં નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલા સબ-ઇન્સ્પેક્ટર અમિત આવ્હાળે ફરિયાદ રદ કરવા માટે લાંચ માગી હતી. આરોપીએ ACBમાં પોલીસ અધિકારી લાંચ માગી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. આથી અમે આજે સવારના એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે કૉન્સ્ટેબલ પ્રથમેશ પાટીલની ધરપકડ કરી હતી. તેણે આ રકમ સબ-ઇન્સ્પેક્ટર અમિત આવ્હાળના કહેવાથી લીધી હોવાનું જણાયું હતું એટલે અમે તેની સામે પણ ફરિયાદ નોંધી હતી. જોકે ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો છે.’