10 September, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં આવેલા સર્વોદયનગરની સર્વોદય હાઇટ્સ સોસાયટીમાં મંગળવારે બપોરે અત્યંત દર્દનાક અકસ્માત થયો હતો. બિલ્ડિંગની પાઇપલાઇન લીક થઈ હોવાથી એને રિપેર કરવા માટે પચાસ વર્ષનો રવીન્દ્ર સાવંત નામનો પ્લમ્બર વીસમા માળે કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેની સાથે સોસાયટીનો મૅનેજર અને સુપરવાઇઝર પણ સ્થળ પર હાજર હતા. કામ કરતી વખતે રવીન્દ્ર સાવંતનો પગ અચાનક ACના આઉટલેટ યુનિટ પર પડતાં યુનિટનો ઍન્ગલ તૂટી ગયો હતો. ઍન્ગલ તૂટી જવાથી રવીન્દ્ર સાવંતે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને તે વીસમા માળથી ડક્ટમાં સીધો નીચે પડ્યો હતો. આ મામલે મુલુંડ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે રવીન્દ્ર સાવંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વીસમા માળથી પ્લમ્બર નીચે પટકાતાં જ આસપાસના પરિસરમાં અને સોસાયટીના રહેવાસીઓમાં ભારે અફરાતફરી તથા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના વિશે મુલુંડ પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.