08 August, 2024 06:44 AM IST | Mumbai | Mehul Jethva
મમ્મી સાથે રસ્તા પર જઈ રહેલી બાળકી સાથે બનેલી ઘટનાની સીસીટીવી ફૂટેજ
સોશ્યલ મીડિયા પર ગઈ કાલે મુમ્બ્રામાં પાંચ વર્ષની બાળકી પર કૂતરો પડતો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. મુમ્બ્રામાં રહેતી પાંચ વર્ષની સના તેની મમ્મી સફીનાબાનુ શેખ સાથે મંગળવારે સવારે માર્કેટમાં શાકભાજી લેવા નીકળી ત્યારે તેના પર ચિરાગ મૅન્શન બિલ્ડિંગના પાચમા માળ પરથી એકાએક કૂતરો પડવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મુમ્બ્રા પોલીસે પ્રાથમિક માહિતી અનુસાર આકસ્મિક મૃત્યુની નોંધ કરીને શ્વાનના માલિક જૈદ સૈયદની પૂછપરછ શરૂ કરી છે.
સના તેનાં માતા-પિતાની એકમાત્ર સંતાન હતી અને લગ્નનાં ૧૦ વર્ષ બાદ તેનો જન્મ થયો હતો એમ જણાવતાં મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સફીનાબાનુ મંગળવારે સવારે સના સાથે અમૃતનગરની બજારમાં ચાલતી નીકળી હતી ત્યારે એક ડૉગી સનાના માથા પર પડ્યો હતો. આ મારને કારણે સના બેભાન થઈ ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને પછી વધુ સારવાર માટે કલવાની છત્રપતિ શિવાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું CT સ્કૅન કરવામાં આવ્યું હતું. જોકે ઇલાજ દરમ્યાન ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનામાં ડૉગી પણ ગંભીર જખમી થયો હતો અને એના પગમાં પણ માર લાગ્યો હતો. આ આખી ઘટના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હતી. એમ છતાં અમે વિગતવાર આ ઘટનાની માહિતી ભેગી કરી રહ્યા છીએ.’