ગણ​પતિબાપ્પાના આગમન અને વિસર્જન વખતે યોગ્ય વ્યવસ્થા કરો

11 August, 2024 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશમંડળોને અને ભક્તોને કોઈ પરેશાની ન થાય એનું ધ્યાન રાખવાની માગણી BMC અને પોલીસ પાસે કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં લાખોની સંખ્યામાં લોકો ગણપતિબાપ્પાનું આગમન અને વિસર્જન જોવા જતા હોય છે. એ વખતે ટ્રાફિક અને ચોરીની ઘટનાઓ ઉપરાંત મોટા ગણપતિની મૂર્તિઓને નડતી ઝાડની ડાળીઓને કારણે દર વર્ષે મંડળો અને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ પરેશાની સામે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિએ મુંબઈના પોલીસ-કમિશનર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને યોગ્ય વ્યવસ્થા કરવાની માગણી કરી છે.

પરેલ અને મુંબઈની બીજી વર્કશૉપ પરથી આજે અને આવતા શનિ-રવિવાર ઉપરાંત રજાના દિવસે મુંબઈના મોટા ગણપતિની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવશે એમ જણાવતાં બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિના પ્રમુખ નરેશ દહિબાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે BMC અને પોલીસ દ્વારા યોગ્ય તકેદારી લેવામાં ન આવતાં અનેક વિસ્તારોમાં બહુ ટ્રાફિક જોવા મળ્યો હતો. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં ઝાડોને ટ્રિમિંગ કરવામાં ન આવતાં મૂર્તિઓને લઈ જવામાં પણ પરેશાની થઈ હતી. આ બધા વચ્ચે મોબાઇલચોરો પણ પોતાનું કામ કરી ગયા હતા. એ જોતાં આ વખતે હવે લોકોને કોઈ પરેશાની ન થાય એ માટેની અપીલ અમે બન્ને વિભાગ પાસે કરી છે. એમાં આગમન અને વિસર્જન દરમ્યાન રોડ વચ્ચે લટકતા કેબલો અને વૃક્ષોની વધેલી ડાળીઓ હટાવવાની માગણી પણ કરી છે. એની જ સાથે જે વિસ્તારમાં આગમન કે  વિસર્જન છે ત્યાંની માહિતી લઈને ટ્રાફિક ડાઇવર્ટ કરવાની માગણી કરવામાં આવી છે. રસ્તાની બન્ને બાજુ પાર્કિંગ કરીને રોડ બ્લૉક કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માગણી પણ અમે કરી છે.’

mumbai news mumbai ganesh chaturthi brihanmumbai municipal corporation mumbai police festivals