મમ્મીએ પકડાવી દીધો દીકરાને

12 April, 2026 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૅવિશ લાઇફ -સ્ટાઇલથી જીવવા માટે નવી મુંબઈના ૨૦ વર્ષના યુવકે પોતાના ઘરમાંથી ૧૮ લાખ રૂપિયાની મતા ચોરી, મમ્મી દ્વારા ફરિયાદ નોંધાયાના ૪ કલાકમાં જ પોલીસે મોબાઇલ ટ્રૅક કરીને ઝડપી લીધો

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના ખારઘર સેક્ટર-૩૫માં રહેતા ૨૦ વર્ષના શ્રવણ મંઢારેએ લૅવિશ લાઇફ-સ્ટાઇલમાં જીવવા માટે પોતાના ઘરમાંથી ૧.૫ લાખની રોકડ અને તેની મમ્મીનાં સોનાનાં ઘરેણાં મળીને કુલ ૧૮ લાખની મતા ચોરી લીધી હતી. તેની મમ્મીએ જ તેની સામે ખારઘર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ૪ કલાકમાં જ શ્રવણને ઝડપી લીધો હતો.  

પોલીસ-ફરિયાદમાં શ્રવણની મમ્મીએ કહ્યું હતું કે ‘૩૦ માર્ચે મેં ઘરના કબાટના લૉકરમાં મારા ૧૬૫ ગ્રામ સોનાના દાગીના અને ૧.૫ લાખ રૂપિયા રાખ્યા‍ હતા. ૪ એપ્રિલે દૂધવાળાનું મહિનાનું બિલ ચૂકવવા રૂપિયા આપવાના હોવાથી કબાટ ખોલ્યો ત્યારે મને આંચકો લાગ્યો હતો. કબાટમાં કૅશ પણ નહોતી અને દાગીના પણ ગાયબ હતા. મેં દીકરાને પૂછતાં તેણે વાત જ ઉડાડી દીધી હતી અને ઘરમાંથી ચાલ્યો ગયો હતો. જોકે એ પછી તે પાંચ દિવસ સુધી ઘરે ન આવ્યો કે મારા ફોન પણ ઉપાડ્યા નહોતા. આખરે મેં ખારઘર પોલીસ-સ્ટેશનમાં શ્રવણ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી.’ 

જોકે પોલીસે ફરિયાદ નોંધાયાના ચાર કલાકમાં જ તેનું લોકેશન ટ્રૅક કરીને તેને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ચોરાયેલા ૧.૫ લાખમાંથી ફક્ત ૨૦,૦૦૦ રૂપિયા પાછા મળી શક્યા છે. બાકીના રૂપિયા તેણે હોટેલનું બિલ ચૂકવવામાં અને અન્ય જગ્યાએ વાપરી નાખ્યા હતા. મમ્મીના  દાગીના તેણે તેના એક સાગરીતને વેચવા આપ્યા છે જેથી તે વેચીને તેને પૈસા આપી શકે. શ્રવણ વૈભવી લાઇફ-સ્ટાઇલમાં રહેવા માગતો હતો. તે લક્ઝરી કાર ભાડે લઈને મિત્રો પર પોતાનો વટ પાડતો હતો. પોલીસે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૩ એપ્રિલ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. 

mumbai news mumbai navi mumbai mumbai police mumbai crime news Crime News