થાણેમાં એક અઠવાડિયામાં ૬ ટીનેજરો ઘરેથી જતા રહ્યા

03 May, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર ગર્લ્સ અને બે બૉય‍્ઝમાંથી પાંચ મળી આવ્યાં, એક છોકરી હજી લાપતા

પ્રતીકાત્મક તસવીર

થાણેમાં ૨૬ એપ્રિલથી ૧ મે દરમ્યાનના એક અઠવાડિયામાં કુલ ૬ બાળકો ગુમ થયાં હોવાના સમાચાર મળતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. વાગળે એસ્ટેટ, ઘોડબંદર રોડ, મુંબ્રા, શ્રીનગર અને કલવા પોલીસ-સ્ટેશનમાં આ સંબંધિત અપહરણની ફરિયાદો નોંધાઈ હતી. ગુમ થયેલી ચાર બાળકી અને બે બાળકો ૧૩થી ૧૭ વર્ષની વયનાં છે. એમાંથી પાંચ બાળકોને પોલીસે શોધી કાઢ્યાં હોવાનું ગઈ કાલે જણાવ્યું હતું, પણ કલવાથી ગુમ થયેલી ૧૪ વર્ષની ટીનેજર પોતાના મિત્ર સાથે સ્વેચ્છાએ ઘરમાંથી ચાલી ગઈ છે તેની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ સોશ્યલ મીડિયા પર કેટલીક ગૅન્ગ બાળકોને ઉઠાવી જતી હોવાની અફવા ફેલાઈ હતી, પરંતુ પોલીસે આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન રાખવાની અપીલ કરી છે અને નાગરિકોને શાંતિ જાળવવા અને કોઈ પણ માહિતી મળે તો તરત જ પોલીસને જાણ કરવાનો અનુરોધ કર્યો છે.

બાળકો ગુમ થયાં હોવાની ફરિયાદો

થાણે પોલીસના ઝોન પાંચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની શરૂઆત ૨૬ એપ્રિલે થઈ હતી જ્યારે થાણેના હોટકારુ મેદાન નજીક રહેતો ૧૫ વર્ષનો ટીનેજર ઘરેથી ચાલ્યો ગયો હતો. એ જ રાતે ઘોડબંદર રોડ વિસ્તારમાંથી ૧૬ વર્ષની એક ટીનેજર ગુમ થઈ હતી. એ ઉપરાંત થાણેના શ્રીનગરમાં રહેતી ૧૬ વર્ષની બે ટીનેજરો એકસાથે ગુમ થઈ ગઈ હતી. ત્યાર બાદ ૨૭ એપ્રિલે મુંબ્રાના સંતોષનગરમાંથી ૧૩ વર્ષનો છોકરો સાંજે ગાયબ થઈ ગયો હતો. ૩૦ એપ્રિલની વહેલી સવારે કલવાથી ૧૪ વર્ષની એક ટીનેજર કોઈને જાણ કર્યા વિના ઘરમાંથી ચાલી ગઈ હતી. આ તમામ બનાવોમાં સંબંધિત પોલીસ-સ્ટેશનોમાં અપહરણના કેસ નોંધવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.’

પાંચ મળી આવ્યાં, એક ટીનેજર હજી લાપતા

થાણે પોલીસના ઝોન પાંચના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીમાં ગુમ થયેલા કેસમાં એવું સામે આવ્યું હતું કે બાળકો કોઈક વાતે પરિવારના સભ્યો સાથે નારાજ થઈને ઘર છોડી ગયાં હતાં. શ્રીનગરમાંથી ગુમ થયેલી બે ટીનેજરો તેમની અન્ય મિત્ર સાથે માથેરાન ફરવા ગઈ હતી એવી માહિતી મળી છે. અત્યાર સુધીમાં આ છમાંથી પાંચ બાળકોને શોધી કાઢ્યાં છે જ્યારે કલવાથી ગુમ થયેલી ૧૪ વર્ષની એક ટીનેજર હજી સુધી મળી નથી. તે પોતાના મિત્ર સાથે હોઈ શકે છે. બન્નેની શોધખોળ ચાલી રહી છે.’

 

mumbai news mumbai matheran thane crime thane mumbai police