મહાબળેશ્વરમાં બુકિંગ માથે પડશે...

29 December, 2020 08:30 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મહાબળેશ્વરમાં બુકિંગ માથે પડશે...

મુંબઈગરાઓના સૌથી ફેવરિટ હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ક્રિસમસ વેકેશનની જબરદસ્ત સીઝન જામી છે ત્યારે ગઈ કાલે કલેક્ટરે થર્ટીફર્સ્ટ નાઇટમાં કરફ્યુ લગાવી દેતાં અહીં ઉજવણી કરવા માટે બુકિંગ કરાવનારાઓએ અહીં આવવાનું માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. લૉકડાઉનના લાંબા સમય બાદ અહીં છેલ્લા બે મહિનાથી સીઝન જામી રહી હતી ત્યારે જ અચાનક કરફ્યુ લગાવાતાં પર્યટકો પર નિર્ભર આ હિલ સ્ટેશનમાં નિરાશા વ્યાપી ગઈ છે.

મહાબળેશ્વર હિલ સ્ટેશન સાતારા જિલ્લામાં આવે છે. અહીંના કલેક્ટર શેખર સિંહે થર્ટીફર્સ્ટ નાઇટમાં દર વર્ષની જેમ મોટા પ્રમાણમાં જો પર્યટકો મહાબળેશ્વર આવશે તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે આ હિલ સ્ટેશનમાં ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૦ વાગ્યે માર્કેટ અને ૧૧ વાગ્યે હોટેલો બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો.

મહાબળેશ્વરમાં ક્રિસમસ વેકેશનમાં મોટા પ્રમાણમાં થર્ટીફર્સ્ટ નાઇટનું આયોજન હોટેલો દ્વારા કરાય છે. જોકે આ વર્ષે કોરોનાને લીધે મોટાં આયોજન નથી કરાયાં, પરંતુ ફૅમિલી દ્વારા પ્રાઇવેટ કાર્યક્રમનું સારું એવું બુકિંગ થયું છે. ૨૫ અને ૨૬ ડિસેમ્બરે ક્રિસમસમાં મહાબળેશ્વરમાં સારું ક્રાઉડ હતું. જોકે ગઈ કાલે અહીં પણ મુંબઈ અને પુણેની જેમ નાઇટ કરફ્યુ લગાવાયું હોવાથી થર્ટીફર્સ્ટની નાઇટની મજા નહીં રહે એમ માનીને મોટા પ્રમાણમાં લોકોએ બુકિંગ રદ કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

મહાબળેશ્વરમાં મોટા પ્રમાણમાં ટૂરિસ્ટો આવ્યા હોવાનું માનીને કલેક્ટરે થર્ટીફર્સ્ટની નાઇટે કરફ્યુ લગાવ્યો છે. રાત્રે ૧૦ વાગ્યે માર્કેટ અને ૧૧ વાગ્યે હોટેલો બંધ કરી દેવાની હોવાથી અસંખ્ય લોકોએ બુકિંગ કૅન્સલ કર્યાં છે. હકીકત એ છે કે અહીં એટલા પ્રવાસીઓ નથી કે જેને લીધે કોરોનાનું સંક્રમણ વધી શકે. કરફ્યુમાં તહેવારની મજા બગડી જવાથી કલેક્ટરના આદેશ બાદ આખા દિવસમાં ૫૦ ટકા લોકોએ અહીં આવવાનું માંડી વાળ્યું છે.

- રોહન કોમટી, મહાબળેશ્વર હોટેલ ઓનર્સ અસોસિએશનનાા જાૅઇન્ટ સેક્રેટરી

mumbai mumbai news mahabaleshwar prakash bambhrolia