મુંબઇમાં ૨૮ હજાર મૂર્તિઓનું થયું વિસર્જન

03 September, 2020 02:37 PM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઇમાં ૨૮ હજાર મૂર્તિઓનું થયું વિસર્જન

લાલબાગ સાર્વજનિક મંડળ ગણેશોત્સવના મુંબઈચા રાજાની મૂર્તિનું ગઈ કાલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વળી આ વખતે માત્ર ચાર ફુટની જ પ્રતિમા બેસાડવામાં આવી હતી. તસવીર : પ્રદીપ ધિવાર

મુંબઈમાં મંગળવારે યોજાયેલા ગણેશ વિસર્જનમાં કુલ ૨૮ હજાર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાંથી ૩૮૧૭ મૂર્તિઓ મંડળોમાં બેસાડવામાં આવેલી હતી જ્યારે ૨૪,૪૭૬ મૂર્તિઓ ઘરગથ્થુ હતી. ૧૩,૭૪૨ જેટલી મૂર્તિઓનું વિસર્જન બીએમસી દ્વારા બનાવવામાં આવેલાં ૧૬૮ કૃત્રિમ તળાવોમાં કરવામાં આવ્યું હતું. વિસર્જન ગઈ કાલે સવારે ત્રણ વાગ્યા સુધી ચાલ્યું હતું.
આ વર્ષે કોરોનાના કારણે મુંબઈમાં ગણેશોત્સવ દર વર્ષની જેમ ઊજવવામાં આવ્યો નથી. મંગળવારે યોજાયેલા વિસર્જનમાં સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ૭૦ જેટલાં નૈસર્ગિક સ્થળો અને અંદાજે ૧૬૮ કૃત્રિમ તળાવોમાં મળી ૨૮ હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વિસર્જન દરમિયાન કોઈ પણ પ્રકારની અસામાજિક ઘટનાઓ બની નહોતી. ૧૬૮ આર્ટિફિશ્યલ તળાવો મળી ૪૪૫ જગ્યાઓ પર વિસર્જનની ફૅસિલિટી ઊભી કરવામાં આવી હતી. આ માટે બીએમસી દ્વારા વિવિધ જગ્યાઓ પર ૨૩ હજાર જેટલા સ્ટાફને તહેનાત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે લાલબાગચા રાજા ગણેશ મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ ઊજવવામાં આવ્યો નહોતો જ્યારે જીએસબી ગણેશોત્સવ સમિતિ દ્વારા ફેબ્રુઆરી સુધી ઉત્સવ પોસ્ટપોન કરવામાં આવ્યો છે.

mumbai mumbai news ganesh chaturthi