30 March, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તાજ હૉટેલ અને કસાબને જીવતો પકડનાર તુકારામ ઓંબલે
મુંબઈ શહેર પર 26/11 ના રોજ થયેલો આતંકવાદી હુમલાની ભય નિર્માણ કરે તેવી યાદો આજે પણ લોકોના મનમાં છે. મુંબઈ પર હુમલો કરનાર આતંકવાદીઓમાંથી એક કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જોકે તેને જીતવો પકડવા માટે એક પોલીસકર્મીએ પોતાનું જીવનું બલિદાન આપ્યું હતું. પોલીસ કર્મચારીની આ બહાદુરીને સન્માનીત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તેમનું સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શહીદ પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર સતારા જિલ્લાના મૌજે કેદંબા ગામમાં તેમના માનમાં એક ભવ્ય સ્મારક બનાવવા જઈ રહી છે, જેના માટે ૧૩.૪૬ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે પ્રોજેક્ટના 2.70 કરોડ રૂપિયા એટલે કે 20 ટકાની પહેલી રકમ વહીવટીતંત્રને આપી દીધી છે, જેથી સ્મારકનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે.
૨૬/૧૧ ના મુંબઈ હુમલા દરમિયાન, બહાદુર મુંબઈ પોલીસ અધિકારી તુકારામ ઓંબલેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની બહાદુરી માટે તેમને મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બર 2008 ની રાત્રે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલો કરવા આવેલા આતંકવાદીઓમાંથી ફક્ત અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને પકડવામાં તુકારામ ઓંબલેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કસાબને જીવતો પકડવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો
૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ જ્યારે ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો ત્યારે આખું મુંબઈ ગભરાઈ ગયું હતું. આમાંથી બે આતંકવાદીઓ છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) સ્ટેશન પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. એક અજમલ કસાબ અને બીજો અબુ ઇસ્માઇલ. પોલીસે આતંકવાદીઓને પકડવા માટે છટકું બિછાવ્યું અને ગિરગાંવ ચોપાટી પર બેરિકેડ લગાવી દીધા. આતંકવાદીઓની કાર બેરિકેડ નજીક આવતાની સાથે જ પોલીસે ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં અબુ ઇસ્માઇલ માર્યો ગયો. અજમલ કસાબ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો, પરંતુ તુકારામ ઓંબલેએ પોતાના જીવની પરવા કર્યા વિના તેના પર હુમલો કર્યો અને તેની AK-47 છીનવી લીધી.
કસાબ સતત ગોળીબાર કરતો રહ્યો, પરંતુ ઓંબલેએ કસાબની બંદૂક મજબૂતીથી પકડી રાખી, જેના કારણે અન્ય પોલીસકર્મીઓને તેને જીવતો પકડવાની તક મળી. ગોળી લાગવાથી તુકારામ ઓંબલે શહીદ થયા હતા, પરંતુ તેમની બહાદુરીને કારણે ભારતે એકમાત્ર આતંકવાદીને જીવતો પકડી લીધો, આમ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો.