26 November, 2026 08:12 AM IST | Mumbai | Rajendra B Aklekar
દેવિકા રોટાવન
કોર્ટમાં આતંકવાદી અજમલ કસબને ઓળખી બતાવનાર ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની પીડિતા હવે નોકરીની શોધમાં છે અને બાળકો સાથે કામ કરીને સમાજમાં યોગદાન આપવાની આશા રાખી રહી છે. મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાનાં ૧૮ વર્ષ બાદ ૯ વર્ષની ઉંમરે કોર્ટમાં આતંકવાદી અજમલ કસબની ઓળખ કરીને હિંમતનું પ્રતીક બનેલી દેવિકા રોટાવન હવે તેની વ્યાવસાયિક જિંદગીમાં નવી શરૂઆત કરવા માગે છે.
૨૭ વર્ષની દેવિકા રોટાવન એવી રોજગારીની તકો શોધી રહી છે જેનાથી તે આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને સાથે જ સમાજની સેવા કરવાનું તેનું મોટું સપનું પણ પૂરું કરી શકે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે થયેલા હુમલા દરમ્યાન ગોળી વાગવાથી બચી ગયેલી દેવિકાએ વર્ષોથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)માં જોડાઈને આતંકવાદ સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
દેવિકા રોટાવને કહ્યું હતું કે ‘મારું સપનું IPS ઑફિસર બનવાનું હતું અને એ હજી પણ મારા દિલની નજીક છે, પરંતુ વ્યવહારુ સંજોગોને ધ્યાનમાં રાખીને હું અન્ય વિકલ્પો પણ ખુલ્લા રાખી રહી છું. જો સંજોગો મને એ મહત્ત્વાકાંક્ષા પૂરી કરવાની પરવાનગી ન આપે તો હું બાળકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા અને શિક્ષણ, સમાજકલ્યાણ અથવા સામુદાયિક વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે જોડાવા માગું છું. આર્થિક રીતે સ્વતંત્ર બનવું અને નોકરી મેળવવી એ મારી પ્રાથમિકતા છે.’