10 December, 2025 07:05 AM IST | Mumbai | Shirish Vaktania
આર્મી વાયરલેસ ટ્રાન્સમિશન સ્ટેશનના ૫૦૦ મીટરના વર્તુળમાં આવતી જુહુની સોસાયટીઓ. તસવીર : નિમેશ દવે
જુહુના આર્મી વાયરલેસ ટ્રાન્સમિશન સ્ટેશનના ૫૦૦ મીટરના વર્તુળમાં આવતી ૨૦૦ જેટલી સોસાયટીના રહેવાસીઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ સોસાયટીના મેમ્બરોએ ૭ ડિસેમ્બરે મીટિંગ ગોઠવી હતી જેમાં આ નિર્ણય લીધો હતો, કારણ કે સરકાર તેમને તેમની સોસાયટીઓ રીડેવલપ કરવાની પરવાનગી નથી આપી રહી. આ સોસાયટીઓમાં રહેતા મોટા ભાગના લોકો સિનિયર સિટિઝન્સ છે. તેમણે કરેલી ફરિયાદો અને અરજીઓ અત્યાર સુધી બહેરા કાને અથડાઈ છે.
૧૯૭૬ની ૧૯ જૂને ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા એક નૉટિફિકેશન (SRO-150) બહાર પાડવામાં આવ્યું હતું. એ પ્રમાણે ડિફેન્સ ઇન્સ્ટૉલેશન્સના વિસ્તારમાં બિલ્ડિંગની ઊંચાઈ ૧૫.૨૪ મીટર અથવા ૫૦ ફુટ સુધી સીમિત કરવામાં આવી હતી અને રીડેવલપમેન્ટ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. ૨૦૧૦માં આદર્શ હાઉસિંગ સોસાયટી સ્કૅન્ડલ સામે આવ્યું એ પછી ડિફેન્સ મિનિસ્ટ્રીએ આ નૉટિફિકેશનને આખા મુંબઈમાં લાગુ કરી દીધું હતું. આ નૉટિફિકેશનને લીધે સોસાયટીઓ ઉપરાંત સ્કૂલો, કૉલેજો, હેલ્થકૅર સેન્ટર્સ અને શૉપિંગ મૉલ્સ પણ પ્રભાવિત થયાં છે.
૭ ડિસેમ્બરે યોજાયેલી રહેવાસીઓની મીટિંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
શું કહે છે રહેવાસીઓ?
‘હું બીજા માળે રહું છું. દરરોજ મારે ચડવું-ઊતરવું પડે છે, કારણ કે લિફ્ટ નથી. અમારી સોસાયટી ૧૯૮૦માં બની હતી, પણ હવે આ નોટિફિકેશનને કારણે અમે સોસાયટીને રીડેવલપ નથી કરી શકતા. એટલે આ વર્ષે અમે બધાએ વોટિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. જો અમારી જરૂરતો પૂરી નહીં થાય તો અમે BMC-ઇલેક્શનનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું.’
- ભૂપેન્દ્રભાઈ લાકડાવાલા (૮૦ વર્ષ), શેલ્ટન સોસાયટી
‘અમારું બિલ્ડિંગ અત્યંત ખરાબ હાલતમાં છે. વાયરલેસ ટ્રાન્સમિશન સ્ટેશનમાં મિલિટરીના લોકો માટે ક્લબ છે, એમાં લગ્નપ્રસંગો યોજાય છે, બીજા કાર્યક્રમો પણ થાય છે, તો પછી અમને અમારી સોસાયટી રીડેવલપ કરવાની પરવાનગી કેમ નથી મળી રહી?’
- જયંતીભાઈ ઠક્કર (૮૫ વર્ષ), કરાચી સોસાયટી, જુહુ સર્કલ
‘હું ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રક્ચર ધરાવતા મકાનમાં રહું છું. અમારું મકાન ખૂબ જૂનું છે. અમારી આસપાસનાં બિલ્ડિંગ્સ તો ઘણી જોખમી સ્થિતિમાં છે. અમે BMC-ઇલેક્શનનો બૉયકૉટ કરી રહ્યા છીએ.’
- અમિત જાગાણી (૩૨ વર્ષ), જયંતી નિવાસ બિલ્ડિંગ, ઇસ્કૉન ટેમ્પલ પાસે
‘અમે જુહુ વાયરલેસ અફેક્ટેડ રેસિડન્ટ્સ અસોસિએશન નામનું ગ્રુપ બનાવ્યું છે. અમે BMCને, વિધાનસભ્યોને, સંસદસભ્યોને, મિનિસ્ટરી ઑફ ડિફેન્સમાં અને વડા પ્રધાનને પણ પત્ર લખ્યો છે, પણ કોઈ પાસેથી અમને મદદ મળી નથી.’
- અરુણ જસોજા, શાંતા સદન સોસાયટી