19 May, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બસનો અકસ્માત થયો હોવાની જાણ થતાં લોકો બચાવકાર્ય માટે તરત જ પહોંચી ગયા હતા અને ઊંધી પડી ગયેલી બસની બારીના કાચ તોડીને ઘાયલ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.
ભિવંડી ડેપોની સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની લાલપરી બસ રવિવારે અહિલ્યાનગરથી ભિવંડી આવી રહી હતી ત્યારે ઘાટમાંથી ઊતરતી વખતે ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ ચલાવીને કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી નીચે ૧૦ ફુટ ઊંડા ખાડામાં ઊતરી ગઈ હતી અને સ્પીડમાં હોવાને કારણે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઇવર એમ. વાય. સલીમનું અને અન્ય એક પ્રવાસીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ૨૦ જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ઘાયલોને અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઘાયલ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. બસમાં અંદાજે ૩૦ જેટલા પ્રવાસીઓ હતા. બસનો અકસ્માત થયો હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને ઊંધી થઈ ગયેલી બસની બારીના
કાચ તોડીને ઘાયલ પ્રવાસીઓને બહાર કાઢીને હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
ડ્રાઇવરનું રફ ડ્રાઇવિંગ
આળેફાટા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિશ્વાસ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ બાબતે તપાસ કરી હતી. કન્ડક્ટર સહિત અન્ય પૅસેન્જરોએ કહ્યું હતું કે અહિલ્યાનગરથી બસ નીકળી ત્યાર બાદ ડ્રાઇવર બહુ જ રફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. તેમણે ડ્રાઇવરને આ બાબતે કહ્યું પણ હતું. બીજું, જે જગ્યાએ અકસ્માત થયો એ પહેલાં ત્યાં ઘાટ સેક્શનનો થોડો ઉતાર છે. રોડ સિમેન્ટ-કૉન્ક્રીટનો છે અને બાજુમાં માટીની સાઇડિંગ છે. હાલમાં પડેલા વરસાદને કારણે એ માટી ભીની થઈ જવાથી ત્યાં લપસી પડાય એવું છે. રૅશ ડ્રાઇવિંગ અને એમાં લપસણી જગ્યાને કારણે બસ રસ્તાની બાજુના ખાડામાં પડી હતી.’