25 December, 2024 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગિરગાવમાં સોનાનાં ઘરેણાંની દુકાન ધરાવતા કિશોરમલ ચૌહાનની દુકાનમાંથી ૧૭ ડિસેમ્બરે ૨.૪ કરોડ રૂપિયાનાં એક કિલો સોનાનાં ૩ બિસ્કિટ ચોરાયાં હતાં એ સંદર્ભે વી. પી. રોડ પોલીસે તપાસ ચલાવીને મૂળ ઉત્તર પ્રદેશના ચંદ્રભાણ પટેલને ઝડપી લઈને ત્રણેત્રણ સોનાનાં બિસ્કિટ પાછાં મેળવ્યાં છે. મુખ્ય આરોપી ચંદ્રભાણ પટેલ સાથે તેના બે સાગરીતને ઝડપી લેવાયા છે અને અન્ય બે સાથીઓની શોધખોળ ચાલી રહી છે.
આ કેસ કઈ રીતે ઉકેલ્યો એ વિશે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કેસની તપાસ દરમ્યાન ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં કપડાની નાની-મોટી ફેરી કરતો ચંદ્રભાણ ઓળખાઈ ગયો હતો એટલે અમે તેની પાછળ લાગ્યા હતા. ટેક્નિકલ માહિતી કઢાવતાં તે જયપુર ગયો હોવાની જાણ થઈ એથી અમારી ટીમ ત્યાં પહોંચી હતી. સોનાનાં બિસ્કિટ વેચવા તે જયપુર નાસી ગયો હતો. જોકે ત્યાં ચોરાયેલાં બિસ્કિટનો કોઈ ખરીદદાર ન મળતાં તે પાછો મુંબઈ આવ્યો હતો. અમારી ટીમે તેને સી. પી. ટૅન્કથી પકડી લીધો હતો. તેના એક સાથીએ ચંદ્રભાણ પટેલને કહ્યું હતું કે કિશોરમલની દુકાનમાં સોનાની ઇંટ હોય છે એટલે ચોરી કરવા લલચાયો અને કિશોરમલની ઑફિસનું તાળું તોડીને તેણે સોનાનાં બિસ્કિટની ચોરી કરી હતી. અમે પ્રાથમિક તપાસ કરી છે. તેની સામે આ પહેલાં કોઈ કેસ નોંધાયો નથી. આ ચોરી તેણે પહેલી વાર કરી હોય એવું અત્યાર સુધીની તપાસમાં જણાયું છે.’