લાડકી બહિણ યોજનાનો ગેરફાયદો લેનાર પુરુષોએ પૈસા પાછા આપવામાં મદદ નહીં કરી તો કડક કાર્યવાહી કરવામાં આવશે

29 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વચગાળામાં એવું પણ જણાઈ આવ્યું હતું કે કેટલાક નોકરી કરનારાઓએ પણ એનો ગેરલાભ લીધો હતો. જેમ-જેમ આ બાબતો સામે આવતી ગઈ

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આપી ચીમકી

મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજનાના ઑડિટમાં યોજનાનો ગેરલાભ ૧૪,૦૦૦ જેટલા પુરુષોએ લીધો છે અને તેમનાં ખાતાંમાં ૨૧.૪૪ કરોડ રૂ​પિયા જમા કરાયા હોવાની વિગતો બહાર આવતાં વિપક્ષ સરકાર પર તૂટી પડ્યો છે અને એ પૈસા હવે કેવી રીતે પાછા મેળવશો એવા સવાલ કરી રહ્યો છે ત્યારે રાજ્યના નાણાપ્રધાન અજિત પવારે કહ્યું છે કે એ પૈસા અમે એ લોકો પાસેથી વસૂલ કરીશું.

અજિત પવારે આ બાબતે કહ્યું હતું કે ‘આ મહિનાના પણ લાડકી બહિણ યોજનાના પૈસા રિલીઝ કરી દેવાયા છે અને એ તેમનાં ખાતાંમાં જમા થઈ જશે. જ્યારે આ યોજના લાગુ કરવામાં આવી ત્યારે અતિશય સારી ભાવનાથી જે ગરીબ મહિલાઓ છે તેમને મદદ મળી રહે એ માટે એ યોજના લાવવામાં આવી હતી. વચગાળામાં એવું પણ જણાઈ આવ્યું હતું કે કેટલાક નોકરી કરનારાઓએ પણ એનો ગેરલાભ લીધો હતો. જેમ-જેમ આ બાબતો સામે આવતી ગઈ એમ-એમ અમે તેમનાં નામ ઓછાં કરતાં ગયાં છીએ. પુરુષોએ આ યોજનાનો લાભ લેવાનું કોઈ કારણ જ નહોતું. આ યોજના પુરુષો માટે નહોતી. એમને જો પૈસા ગયા હશે તો એ પૈસા અમે વસૂલ કરીશું. જો તેમણે સહકાર ન આપ્યો તો સમય આવ્યે તેમની સામે લાડકી બહિણ યોજનાનો ગેરફાયદો લઈ જે કોઈ પુરુષે એ પૈસા મેળવ્યા હશે તેમના પર ઍક્શન‌ લેવામાં અમે આગળ-પાછળ જોઈશું નહીં.’

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)નાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ કહ્યું છે કે ‘આ યોજનામાં પુરુષોનાં નામ ઘુસાડનાર કૉન્ટ્રૅક્ટરોની સામે પણ ઍક્શન લેવામાં આવે. નાની-નાની બાબતોમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને તપાસ સોંપનાર સરકારે આ કેસમાં પણ CBIને તપાસ સોંપવી જોઈએ.’

ajit pawar political news maharashtra maharashtra news maharashtra political crisis nationalist congress party central bureau of investigation crime news mumbai crime news mumbai police news mumbai mumbai news