11 March, 2026 07:09 AM IST | Dubai | Darshini Vashi
યોગેશ દોશી
દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એક ભારતીય બીજા ભારતીયના પડખે હંમેશાં ઊભો રહે છે, ભલે તે પછી કોઈ પણ દેશ કેમ ન હોય. એનું જીવતું-જાગતું ઉદાહરણ હાલમાં જોવા મળી રહ્યું છે. દુબઈથી ભારત માટેની ફ્લાઇટ્સનાં ઠેકાણાં નથી અને જે ફ્લાઇટો ઊપડે છે એમની ટિકિટોના ભાવ આભને આંબી રહ્યા છે. એવામાં ઘણા ભારતીય ટૂરિસ્ટોનું વતન પાછા ફરવું મુશ્કેલ બની રહ્યું છે. એટલું જ નહીં, હોટેલમાં સ્ટે લંબાવીને પણ લોકોનાં ખિસ્સાં ખાલી થઈ ગયાં છે. આવી કપરી સ્થિતિમાં મુકાઈ ગયેલા ભારતીય ટૂરિસ્ટોની વહારે દુબઈના ગુજરાતી બિઝનેસમૅન યોગેશ દોશી આવ્યા છે. દુબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા આ બિઝનેસમૅને તેમના ૨૦ જેટલા અપાર્ટમેન્ટ દુબઈમાં ફસાઈ ગયેલા ભારતીય ટૂરિસ્ટો માટે ખુલ્લા મૂકી દીધા છે એટલું જ નહીં, તેમની જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે.
વાગ બે ચોવીસી જ્ઞાતિના યોગેશ દોશીનો જન્મ અને ઉછેર કચ્છના રાપરમાં થયો છે. રાપરમાં આઠમા ધોરણ સુધી ભણ્યા પછી યોગેશભાઈે ૧૨ વર્ષ સુધી ડાયમંડની કંપનીમાં સુરતમાં અને મુંબઈમાં કામ કર્યું છે. મુંબઈથી તેઓ કચ્છ પાછા ગયા હતા અને ત્યાંથી ૧૯૯૩માં કેન્યા ગયા હતા. પાંચ વર્ષ કેન્યામાં રહ્યા પછી ત્યાંથી તેઓ દુબઈ ગયા હતા. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં અલ મિઝાન ગ્રુપના ચૅરમૅન યોગેશ દોશી કહે છે, ‘હું ૨૮ વર્ષથી દુબઈમાં છું. મને સમાજે ઘણું આપ્યું છે. હવે સમાજ પ્રત્યે ઋણ ચૂકવવાનો વારો મારો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ક્રાઇસિસને લીધે અનેક ભારતીય ટૂરિસ્ટો રખડી પડ્યા છે એટલે અમે ઇન્ડિયન પીપલ્સ ફોરમ (IPF) અને દુબઈમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલ સાથે મળીને દુબઈમાં અટકી પડેલા પરિવારોને માટે બે બેડરૂમ ધરાવતા ૨૦ અપાર્ટમેન્ટ ખુલ્લા મૂકી દીધા છે. અહીં આજની તારીખમાં ૧૨૫ કરતાં પણ વધુ ટૂરિસ્ટો રોકાયેલા છે. અમે તેમની જમવાની અને અન્ય બેઝિક જરૂરિયાતો પણ પૂરી પાડી રહ્યા છીએ.’
આ પ્રકારનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે જણાવતાં યોગેશ દોશી કહે છે, ‘મારા ભાઈ અશોક દોશી IPF-UAEના ઉપપ્રમુખ છે. તેમને સૌથી પહેલાં આ પ્રકારનું સેવાકાર્ય કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે મને એ વિશે જણાવ્યું અને મેં આ સેવા કરવાની તક તરત ઝડપી લીધી હતી. આમ તો મારા ઘણા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ છે જેમાંથી મેં એક બિલ્ડિંગમાં ૧૫ અપાર્ટમેન્ટ અને બીજા બિલ્ડિંગમાં પાંચ અપાર્ટમેન્ટ દુબઈમાં ફસાયેલા ટૂરિસ્ટોને ફાળવ્યા છે. હું અને મારા પરિવારના સભ્યો રોજેરોજ ત્યાં જઈને આ લોકોને મળીએ છીએ અને તેમના હાલચાલ પૂછીએ છીએ. તેમની કોઈ જરૂરિયાત હોય તો એ પૂરી કરવાની કોશિશ પણ કરીએ છીએ અને તેમને હિંમત પણ આપીએ છીએ. આ ૧૨૫ ટૂરિસ્ટોમાં ૧૫ જેટલાં બાળકો પણ છે જેમાંનાં કેટલાંક તો એક વર્ષ કરતાં પણ ઓછી ઉંમરનાં છે. તેમની સલામતીનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. આ સિવાય એક નેપાલી કુટુંબ પણ અહીં આવ્યું છે જેમને પણ અમે રાખ્યા છે. દિવસમાં ૩ સમય ભોજન પૂરું પાડવાની સાથે પરિવારોને જિમ્નૅશ્યમ અને સ્વિમિંગ-પૂલ જેવી રહેણાક સુવિધાઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપી છે જેથી તેઓ ખુશ અને ટેન્શનમુક્ત રહી શકે. મારા પરિવાર તરફથી બાળકોને રમકડાં અને ચૉકલેટ પણ ભેટમાં આપવામાં આવ્યાં છે એટલું જ નહીં, મહેમાનોનો ઉત્સાહ વધારવા માટે અલ મિઝાન ગ્રુપ દ્વારા ભારત-ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ફાઇનલનું સ્ક્રીનિંગ પણ યોજ્યું હતું અને ભારત વિશ્વવિજેતા બનતાં અમે નાસ્તા અને મીઠાઈની મિજબાની પણ સાથે મળીને માણી હતી.’
ભારતીય ન્યુઝ-ચૅનલ જોઈને અહીંના લોકો વધુ ડરી રહ્યા છે, પણ વાસ્તવમાં ભયનો કોઈ માહોલ અહીં જોવા મળી રહ્યો નથી એમ જણાવતાં યોગેશભાઈ કહે છે, ‘અહીંની સરકાર ખૂબ જ સુવ્યવસ્થિત પગલાં લઈ રહી છે. તેઓ ભારતીયોની સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. અહીં ભયભીત થવાની અત્યારે તો કોઈ જરૂર જણાતી નથી. હું પોતે રોજ ઑફિસ જઉં છું. સાચું કહું તો કેટલીક ભારતીય ન્યુઝ-ચૅનલો જોઈને મને ડર લાગે છે કે આવું દુબઈમાં થઈ રહ્યું છે કે શું? મારા આ અપાર્ટમેન્ટ સાઉથ દુબઈમાં નવા બની રહેલા ઍરપોર્ટની બાજુમાં જ છે અને અહીં અત્યારે શાંતિ છે. બીજું ખાસ એ કે આ ક્રાઇસિસને લીધે જે ભારતીય ટૂરિસ્ટો આજની તારીખે પણ દુબઈમાં ફસાયેલા છે અને જેમના માથે અત્યારે છત નથી તેમને હું મારા અપાર્ટમેન્ટમાં રહેવા આવવા માટે આમંત્રણ આપું છું.’