આખરે જિંદગી જીતી ગઈ

09 February, 2023 10:43 AM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

ટર્કી અને સિરિયામાં ભયાનક ભૂકંપ બાદ હૃદયને ઝકઝોતી કેટલીક ઘટના બહાર આવી છે, જેમાં કાટમાળ નીચે દટાયેલાં બાળકોને બહાર કાઢવામાં આવ્યાં છે : ટર્કીમાં એક ભારતીય મિસિંગ, દસ જણ ફસાયા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અંકારા : ટર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપથી સમગ્ર દુનિયા હચમચી ગઈ છે. લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. ભારત સહિત દુનિયાના અનેક દેશો મદદ માટે આગળ આવ્યા છે. આ બન્ને દેશોમાં મળીને મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧૧,૦૦૦થી વધી ગઈ છે. કુદરતના કેરની કેટલીક ઘટના હૃદયને ઝકઝોળે એવી છે. દરમ્યાન કેન્દ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે વર્ક વિઝિટ પર ટર્કી ગયેલો એક ભારતીય મિસિંગ છે, જ્યારે દસ ભારતીયો આ દેશના અંતરિયાળ વિસ્તારોમાં ફસાયા છે, પરંતુ તેઓ સુર​િક્ષત છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે અમે ટર્કીના અદાનામાં એક કન્ટ્રોલ રૂમ સ્થાપ્યો છે. 

કાટમાળ નીચે બાળકી જન્મી

આ ઘટના સિરિયાની છે. અહીં કાટમાળ નીચે ફસાયેલી એક પ્રેગ્નન્ટ મહિલાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો હતો. ૩૪ વર્ષના ખલીલ અલ શમી નામની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સિરિયાના જિંદેરસ શહેરમાં ભૂકંપના કારણે તેના ભાઈનું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું. તે તેના ભાઈ અને અન્ય પરિવારજનોને શોધવા માટે કાટમાળ હટાવતો હતો એ સમયે તેને તેની ભાભીની સાથે ગર્ભનાળથી એક નવજાત બાળકી જોડાયેલી જોવા મળી હતી. તરત તેણે ગર્ભનાળ કાપી હતી. બાળકીને તરત બહાર કાઢવામાં આવી હતી. બાળકીની માતા મરી ગઈ હતી. 

બાળકીએ નાના ભાઈનો જીવ બચાવ્યો

સિરિયાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે સાત વર્ષની એક બાળકી અને તેનો નાનો ભાઈ કાટમાળ નીચે દટાયેલાં છે. તેઓ લોકોને બચાવવા માટે ચીસો પાડી રહ્યાં છે. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે ભાઈને સહેજ પણ ઈજા ન થાય એના માટે બાળકીને પોતાના એક હાથથી ભાઈનું માથું કવર કર્યું હતું. તેમને બચાવી લેવાયાં હતાં.

international news turkey syria earthquake ankara