08 February, 2023 11:27 AM IST | Ankara | Gujarati Mid-day Correspondent
સિરિયાના ઇદલિબ પ્રાંતના સરમદા ટાઉનમાં ધ્વસ્ત થયેલાં બિલ્ડિંગ્સ પાસે રેસ્ક્યુ વર્કર્સ. તસવીર એ.એફ.પી.
અંકારાઃ ટર્કી અને સિરિયામાં સોમવારે આવેલા ભૂકંપ બાદ ભારે વિનાશનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. જોકે કુદરત બધી રીતે પરીક્ષા લેતી હોય એમ ટર્કીમાં ભારે વરસાદ અને બરફ પડવાને કારણે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી પર અસર થઈ રહી છે. આ બન્ને દેશોમાં ચારેબાજુ પીડા, ચીસોનાં દૃશ્યો જોવાં મળી રહ્યાં છે અને લોકો મદદ માટે પોકારી રહ્યા છે.
આ બંને દેશોમાં પાંચ હજાર જણ મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે આ ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા સત્તાવાર આંકથી આઠ ગણી વધી શકે છે.
સિરિયાની બૉર્ડર નજીક ટર્કીના શહેર એન્તક્યમાં દસ માળની બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગઈ હતી. એ સમયે ત્યાં હાજર ન્યુઝ એજન્સીના રૉઇટર્સના પત્રકારોએ જોયું હતું કે કાટમાળના ડઝનેક ઢગલામાંથી રેસ્ક્યુ વર્કર્સ માત્ર એકમાં જ રાહત અને બચાવ કામગીરી કરી શક્યા હતા.
ડેનિઝ વૃંગ નામના એક માણસે વરસતા વરસાદમાં રડતાં-રડતાં કહ્યું હતું કે ‘લોકો મદદ માટે પોકારી રહ્યા છે, પરંતુ કોઈ આવી રહ્યું નથી. અમે અત્યંત મુશ્કેલીમાં છીએ. લોકો ચિલ્લાઈને કહે છે કે અમને બચાવો, પરંતુ અમે તેમને બચાવી શકીએ એમ નથી. ગઈ કાલે સવારથી બચાવવા માટે કોઈ જ નથી.’
આ પણ વાંચો : શૉક અને શોક : ટર્કી અને સિરિયામાં આવ્યો સદીનો સૌથી શક્તિશાળી ભૂકંપ
સિરિયાનાં અનેક શહેરોમાં ભયાનક વિનાશ વેરાયો છે. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. જોકે અહીં મદદ પહોંચાડવા માટે કોઈ નથી. વાસ્તવમાં સિરિયામાં અગિયાર વર્ષ કરતાં વધારે સમય સુધી યુદ્ધને કારણે પહેલાંથી જ ભારે વિનાશની સ્થિતિ છે. એવામાં ભૂકંપ આવવાથી વધુ ડરામણી અને ભયાનક સ્થિતિ સર્જાઈ છે.
1.35
ટર્કીની ઑથોરિટીએ જણાવ્યું હતું કે પશ્ચિમમાં અદાનાથી પૂર્વમાં દિયરબકીરના લગભગ ૪૫૦ કિલોમીટરના એરિયા તેમ જ ઉત્તરમાં મલત્યથી દિક્ષણમાં હૅતી સુધીના ૩૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં આટલા કરોડ લોકોને અસર થઈ હતી.