ટ્રમ્પની નવી ચીમકી : રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત નફો કમાય છે એટલે હું હજી ટૅરિફ વધારીશ

05 August, 2025 11:52 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારતના વિદેશ મંત્રાલયનો પલટવાર : જે દેશ ભારતની આલોચના કરે છે એ ખુદ તો રશિયા સાથે વેપાર કરે છે

ડોનલ્ડ ટ્રમ્પ‍

ભારત પર લગાવેલી ટૅરિફના અમલને સાતમી ઑગસ્ટ સુધી ટાળ્યા પછી પણ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ‍ે ફરીથી પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પરથી ભારતને ધમકી આપતાં લખ્યું હતું કે ‘ભારત માત્ર રશિયા પાસેથી ભારે માત્રામાં તેલ જ નથી ખરીદી રહ્યું, ખરીદેલા તેલનો મોટો હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચીને ભારે નફો પણ કમાઈ રહ્યું છે. એને એ વાતની કોઈ પડી નથી કે રશિયાનાં શસ્ત્રો યુક્રેનમાં કેટલા લોકોને મારી રહ્યાં છે. એ જ કારણથી હું ભારત પરની ટૅરિફમાં ભારે વધારો કરીશ.’

ટ્રમ્પે ફરીથી આવી ધમકી આપતાં ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ધીરજનો બંધ તૂટી ગયો હતો. આ સોશ્યલ મીડિયા પોસ્ટ મુકાયાના એક જ કલાકમાં વિદેશ મંત્રાલયે પલટવાર કરતો કડક જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે અમેરિકા અને યુરોપિયન યુનિયનને આકરો જવાબ આપતાં નિવેદનમાં કહ્યું હતું કે ‘એ દેશ અમને શું સલાહ આપશે જે ખુદ રશિયા સાથે અબજો ડૉલરનો કારોબાર કરે છે. ભારત પૂરી તાકાતથી પોતાના હિતની રક્ષા કરશે. ભારત ઝૂકે એમાંનું નથી.’

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ‘યુક્રેનનો સંઘર્ષ શરૂ થયા બાદ અમેરિકા અને યુરોપિયન સંઘોએ રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે ભારત પર નિશાન સાધ્યું છે, પરંતુ હકીકત એ છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું એટલે શરૂ કર્યું હતું કેમ કે સંઘર્ષને કારણે પારંપરિક આપૂર્તિ યુરોપ તરફ વળી ગઈ હતી. એ સમયે ખુદ અમેરિકાએ ભારતને આ રીતે આયાત કરવા પ્રોત્સાહિત કર્યું હતું જેથી વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા ટકી રહે. ભારતે આયાત કરેલું તેલ ઘરેલુ વપરાશકારોને સસ્તી અને નિશ્ચિત કિંમત પર ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. આ ભારતની મજબૂરી છે જે વૈશ્વિક બજારની પરિસ્થિતિને કારણે બની છે. જોકે હેરાનીની વાત એ છે કે જે દેશ ભારતની આલોચના કરે છે એ ખુદ રશિયા સાથે વેપાર કરે છે અને એ તેમના માટે કોઈ રાષ્ટ્રીય જરૂરિયાત પણ નથી. અમેરિકાની વાત કરીએ તો એ આજે પણ રશિયા પાસેથી ન્યુક્લિયર ક્ષેત્ર માટે યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ડસ્ટ્રી માટે પૅલેડિયમ અને અન્ય રસાયણો આયાત કરે છે. એવામાં ભારતને નિશાન બનાવવાનું અનુચિત અને અસંગત છે. ભારત પણ એક મોટી અર્થવ્યવસ્થા છે અને એ પોતાનાં રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે જરૂરી કદમ ઉઠાવશે જ.’

united states of america donald trump india russia Tarrif news world news international news ministry of external affairs us president social media