23 December, 2022 11:24 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનના જિઆંગસુ પ્રાંતમાં નાનજિંગમાં એક ક્લિનિકની બહાર સારવાર માટે કતારમાં બેસી રહેલા લોકો.
બીજિંગ : ચીનમાં કોરોનાની મહામારીને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જોકે ભારતમાં એક્સપર્ટ્સ વારંવાર જણાવે છે કે ભારત માટે ચિંતાનું કારણ નથી. અલબત કાળજી જરૂર રાખવાની છે.
૧. ભારતીયોમાં નૅચરલ ઇમ્યુનિટી
ભારતમાં પહેલાં જ મોટી સંખ્યામાં લોકોને કોરોનાનું ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે. ચીનમાં શરૂઆતથી જ ઝીરો કોવિડ પૉલિસી રહી છે. ચીનમાં લોકોને ઘરની બહાર જ નીકળવા દેવામાં આવ્યા નહીં. આપણે ત્યાં ઑમાઇક્રોનની લહેરના સમયે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકોને ઇન્ફેક્શન થઈ ગયું હતું. આ નૅચરલ ઇન્ફેક્શનના કારણે લાંબા સમય સુધી ઇમ્યુનિટી જળવાઈ રહે છે. જોકે ચીનમાં ઝીરો કોવિડ પૉલિસીના કારણે મોટા ભાગના લોકોને કોરોનાનું ઇન્ફેક્શન થયું જ નહીં.
૨. ભારતની વૅક્સિન વધારે અસરકારક
ભારતમાં લોકોને કોવિશીલ્ડ અને કોવૅક્સિન રસી આપવામાં આવી છે, જે ખૂબ જ અસરકારક રહી છે, જેની સામે ચીનમાં લોકોને કોરોનાની બે રસી સાઇનોવેક અને સાઇનોફાર્મ આપવામાં આવી હતી. ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ભૂતપૂર્વ ડિરેક્ટર ગાઓ ફૂએ પોતે સ્વીકાર્યું છે કે ચીનની આ વૅક્સિનની અસર ખૂબ જ ઓછી છે.
ભારતમાં લૉકડાઉન કે બૂસ્ટર ડોઝની જરૂર નથી : આઇઆઇટી કાનપુરના પ્રોફેસર
ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે એમ ભારતમાં પણ ચિંતા વધી રહી છે. જોકે આઇઆઇટી કાનપુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે ‘ભારતની ૯૮ ટકા વસ્તીમાં કોવિડની વિરુદ્ધ નૅચરલ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. કેટલાક લોકોમાં આ ઇમ્યુનિટી નબળી પડી જાય અને એના લીધે નાની-મોટી લહેર આવી જાય એ શક્ય છે. એ સિવાય ભારત માટે મુશ્કેલીનું કારણ નથી. અત્યારે ન તો વૅક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર છે કે ન તો નવા વર્ષની પાર્ટીઓ કે મૅરેજ પર પ્રતિબંધ મૂકવાની કે ન તો લૉકડાઉનની.’ મૅથેમૅટિકલ મૉડલના આધારે પ્રોફેસર અગ્રવાલે કહ્યું હતું કે ‘ચીનમાં ઑક્ટોબરના અંત સુધીમાં માત્ર પાંચ ટકા વસ્તી નૅચરલ ઇમ્યુનિટી ધરાવતી હતી. નવેમ્બરમાં એ વધીને ૨૦ ટકા થઈ. ચીનની ૩૦ ટકા વસ્તી હજી પણ વાઇરસની પહોંચની બહાર છે. એનો અર્થ એ થયો કે ઓમાઇક્રોનનો નવો સબવેરિઅન્ટ તમામ લોકોમાં ફેલાશે. નવા કેસ વધુ આવશે.’