22 November, 2024 01:09 PM IST | Brasília | Gujarati Mid-day Correspondent
એન્જિનિયરમાંથી વેદાંત-શિક્ષક બનેલા જોનસ મસેટીને મળ્યા પીએમ મોદી
નરેન્દ્ર મોદી હમણાં બ્રાઝિલમાં G20ના શિખર સંમેલનમાં ગયા હતા. ત્યાં તેઓ એન્જિનિયરમાંથી વેદાંત-શિક્ષક બનેલા જોનસ મસેટીને મળ્યા હતા. બ્રાઝિલના લોકોમાં ભગવદગીતા અને વેદાંતને લોકપ્રિય બનાવવા માટે મોદીએ મસેટીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમયે સંસ્કૃત ‘રામાયણ’ની ઝલક જોઈને મોદી ગદ્ગદ થઈ ગયા હતા.
આ મુલાકાત વિશે મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે જોનસ મસેટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી. મેં એક વાર ‘મન કી બાત’ કાર્યક્રમાં વેદાંત અને ગીતા પ્રત્યે તેમના જુનૂનની વાત કરી હતી. તેમની ટીમે સંસ્કૃત ‘રામાયણ’ની ઝલક પ્રસ્તુત કરી. ભારતીય સંસ્કૃતિ આખી દુનિયામાં પ્રભાવ પાથરી રહી છે. આ પ્રશંસનીય છે.’
કોણ છે જોનસ મસેટી?
બ્રાઝિલમાં રહેતા જોનસ મસેટી મેકૅનિકલ એન્જિનિયર છે અને તેઓ શૅરબજાર સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરતા હતા. તેમને ભારતીય સંસ્કૃતિ અને વેદાંતમાં રુચિ વધી અને તેમણે ભારત આવી વેદાંતનું શિક્ષણ લીધું છે. તેમણે બ્રાઝિલના લોકોમાં ગીતા અને વેદના શિક્ષણને લોકપ્રિય બનાવ્યું છે. તેઓ બ્રાઝિલની રાજધાનીથી એક કલાકના અંતરે પેટ્રોપૉલિસનાં જંગલોમાં વિશ્વ વિદ્યા ગુરુકુલમ ચલાવે છે. ૭ વર્ષમાં તેમણે ઑનલાઇન કાર્યક્રમમાં ૧.૫૦ લાખ સ્ટુડન્ટ્સને ફ્રી ઓપન કોર્સમાં શિક્ષણ આપ્યું છે.