યુદ્ધને કારણે ભારત સહિત પચીસ દેશોમાં તેલ અને ગૅસ-ક્રાઇસિસને કારણે હાહાકાર

11 March, 2026 12:12 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયો છે

ચેન્નઈમાં કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસના સિલિન્ડરની અછતને કારણે ગઈ કાલે અનેક રેસ્ટોરાં સંપૂર્ણપણે બંધ રહી હતી.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ભારત અને અમેરિકા સહિત દુનિયાના પચીસ દેશોમાં તેલ અને ગૅસ સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ભારત, જપાન અને યુરોપિયન દેશો સહિત પચીસથી વધુ દેશોમાં ગૅસની ભારે અછત સર્જાઈ છે. મિડલ ઈસ્ટના મહાયુદ્ધના અગિયારમા દિવસે અનેક દેશોમાં ગૅસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ ૩૦ ટકા સુધી વધી જતાં દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા લથડી ગઈ છે.

ઈરાન અને ઇઝરાયલ સહિત પશ્ચિમ એશિયાના દેશો અત્યારે દારૂગોળાના ઢેર પર બેઠા છે એને કારણે દુનિયાની ગૅસ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. દુનિયાભરના દેશોમાં તેલ અને LNGનો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ મારફત જ આવે છે ત્યારે ઈરાનની પાબંદીઓને કારણે ભારત, ચીન, જપાન, સાઉથ કોરિયા, વિયેટનામ, યુરોપીય દેશો સહિત કમસે કમ પચીસ દેશોમાં હાહાકાર મચ્યો છે.

જર્મની અને ફ્રાન્સમાં ગૅસની કિંમતો ૪૫ ટકા સુધી વધી ગઈ છે. અનેક શહેરોમાં રાતના સમયે હીટિંગ સિસ્ટમ બંધ કરીને બિનજરૂરી ઔદ્યોગિક ક્ષેત્રોમાં લૉકડાઉન રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 
 

જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયો છે અને સરકારે ઓછા જરૂરી ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટાડવાનું કહ્યું છે. જપાને પોતાનાં રાષ્ટ્રીય તેલકેન્દ્રોમાંથી કાચું તેલ કાઢવાની તૈયારીઓ શરૂ કરી છે. 
 

ફ્રાન્સ અને પોલૅન્ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી રહ્યા છે. પોલૅન્ડમાં અન્ય દેશો કરતાં સસ્તા પેટ્રોલને કારણે આજુબાજુના દેશોમાંથી લોકો આવી રહ્યા છે. 
 

પાકિસ્તાન અને શ્રીલંકામાં

ગૅસ-સિલિન્ડરો માટે લાંબી લાઇનો લાગી છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં ભારે વધારો થઈ ગયો છે અને એ પછી પણ અપૂરતા પુરવઠાને કારણે સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે. શક્ય હોય એ તમામ ઑફિસોમાં વર્ક ફ્રૉમ હોમ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં સરકારી ઑફિસો વીકમાં માત્ર ૪ દિવસ જ ખૂલશે. દેશમાં પ્રધાનો અને ઍડ્વાઇઝરોની વિદેશયાત્રાઓ રોકી દેવામાં આવી છે. પ્રધાનો બે મહિના પગાર નહીં લે અને સંસદસભ્યોના પગારમાં પચીસ ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. આગામી બે મહિના સુધી સરકારી ગાડીઓને બજેટના ૫૦ ટકા ફ્યુઅલ જ મળશે. ૬૦ ટકા સરકારી વાહનોને પાર્ક કરી દેવામાં આવશે.

બંગલાદેશમાં પૅનિક બાઇંગ રોકવા માટે ફ્યુઅલ માટે રૅશનિંગ કરી દેવામાં આવ્યું છે. બંગલાદેશમાં પણ વીજળી અને ફ્યુઅલનો વપરાશ ઘટાડવા માટે ગઈ કાલથી જ તમામ યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૅસની અછતને કારણે કેટલીક ફૅક્ટરીઓનાં કામ ઠપ થઈ ગયાં છે.

વિયેટનામમાં ઊર્જાબચત માટે સરકારે તમામ કંપનીઓને બને ત્યાં સુધી વર્ક ફ્રૉમ હોમ કરવાની અપીલ કરી છે. ઘરેલુ બજારમાં ફ્યુઅલ પૂરતું મળી રહે એ માટે ફ્યુઅલની આયાત પર લગાવેલી ટૅરિફ હટાવી દીધી છે.  

અમેરિકામાં પણ અપૂરતા પુરવઠાની ચિંતાને પગલે ફ્યુઅલનો ભાવ વધતાં ગૅસ-પમ્પ્સ પર લાંબી લાઇનો લાગી છે. સાઉથ કોરિયામાં લગભગ ૩ દાયકા બાદ ફ્યુઅલની કિંમતો પર કૅપ લગાવવામાં આવી છે. ઊર્જા-સપ્લાય સેફ રાખવા માટે સાઉથ કોરિયાએ ઊર્જાના નવા સ્રોતો શોધવાનું શરૂ કર્યું છે જેની સપ્લાય હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર ન હોય. 

international news world news delhi news new delhi pakistan indian government germany japan united states of america bangladesh sri lanka hotel and restaurant oil prices