09 January, 2026 09:17 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
દીપુ દાસ
બંગલાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. ૨૦૨૫ની ૧૮ ડિસેમ્બરે આ હિંસાની શરૂઆત થઈ હતી ગાર્મેન્ટ ફૅક્ટરીમાં કામ કરતા દીપુ ચંદ્ર દાસની હત્યાથી. તેના શબને ભીડે ઝાડ સાથે બાંધીને સળગાવી દીધું હતું. બંગલાદેશની યુનુસ સરકાર પર આ હત્યાની તપાસ માટે જબરદસ્ત દબાણ વધતાં આખરે પોલીસે કાર્યવાહી કરી છે અને દીપુ દાસની હત્યાના મુખ્ય આરોપી યાસિન અરાફાતને પકડી લીધો છે.
યાસિન અરાફાત ભૂતપૂર્વ ટીચર છે અને કહેવાય છે કે આ હત્યાને અંજામ આપવા માટે તેણે પહેલેથી પૂરું પ્લાનિંગ કરી રાખ્યું હતું. પોલીસનું કહેવું છે કે ‘દીપુ દાસની હત્યા પછી યાસિન એ વિસ્તારમાંથી ભાગીને છુપાઈ ગયો હતો. તેણે દીપુ ચંદ્ર દાસ પર ભીડ હુમલો કરે એ માટે ષડયંત્ર રચ્યું હતું. લોકોને એકઠા કર્યા પછી તેમને દીપુ દાસને નિશાન બનાવવા માટે ઉકસાવવામાં આવ્યા હતા. તેના પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેને ફૅક્ટરીમાંથી બહાર કાઢ્યો હતો અને ગુસ્સે ભરાયેલી ભીડે તેને મારી નાખ્યો હતો. યાસિને ભીડને ઉશ્કેરવા ઉપરાંત ખુદ દીપુના શબને ઝાડ સાથે બાંધીને આગ લગાવી હતી.’