ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ કૅલિફૉર્નિયામાં પકડાયો

19 November, 2024 07:47 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

ભારત દ્વારા તેને પ્રત્યર્પણ સંધિ હેઠળ પાછો લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હોવાની વાતો

અનમોલ બિશ્નોઈ

બાબા સિદ્દીકીની હત્યા લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા કરવામાં આવી હોવાનું અને એમાં લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈનું નામ પણ બહાર આવ્યું હતું. તાજા રિપોર્ટ્‍સ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ (US)ના કૅલિફૉર્નિયામાં અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે ત્યાંની પોલીસ-કસ્ટડીમાં છે. બે અઠવાડિયાં પહેલાં તેની સામે વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને એ પછી હવે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસ દ્વારા ભારત સરકારને હવે તેને પ્રત્યર્પણ સંધિ હેઠળ ભારત પાછો લાવવાની પ્રક્રિયા ચાલુ કરવા કહેવાયું છે. જોકે મુંબઈ પોલીસ કે દિલ્હી પોલીસ દ્વારા આ સમાચારને સમર્થન આપવામાં આવ્યું નથી તેમ જ ખંડન પણ કરવામાં આવ્યું નથી અને કોઈ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી નથી.  

થોડા વખત પહેલાં જ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની સામે ૧૦ લાખનું ઇનામ જાહેર કર્યું હતું. અનેક હાઈ-પ્રોફાઇલ કેસમાં તેનું નામ સંડોવાયેલું છે જેમાં ૨૦૨૨માં પંજાબી સિંગર સિધુ મૂસેવાલા હત્યાકેસ, સલમાન ખાનના ઘર પર ફાયરિંગ અને હવે બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પણ તેનું નામ આવ્યું છે. NIA દ્વારા ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં તેની સામે ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી હતી. જોકે એ પછી તે બનાવટી પાસપોર્ટની મદદથી વિદેશ નાસી ગયો હતો. તે પહેલાં કૅનેડા અને ત્યાર બાદ USમાં રહેતો હોવાનું કહેવાતું હતું. 

lawrence bishnoi baba siddique united states of america california international news india