26 January, 2023 12:26 PM IST | New York | Gujarati Mid-day Correspondent
અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયો અને ભારતના વિદેશપ્રધાનસુષમા સ્વરાજ
ન્યુ યૉર્ક : અમેરિકાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન માઇક પોમ્પિયોના જણાવ્યાનુસાર પુલવામામાં ૪૦ સીઆરપીએફ જવાનો પર હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો તેમ જ જૈશ-એ-મોહમ્મદના ટ્રેઇનિંગ કૅમ્પને નાશ કર્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાન પરમાણુ હુમલો કરવા માગતું હતું. ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની બહુ જ નજીક આવી ગયા હતા. બન્ને પક્ષો એવું માની રહ્યા હતા કે અન્ય પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે પુસ્તક ‘નેવર ગીવ એન ઇંચ’માં ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કરેલા ફોન કૉલનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું હોવાથી ભારત પણ પોતાની રીતે આગળ વધવાનું વિચારી રહ્યું છે. એથી બન્ને પાડોશીઓને શાંત પાડવા માટે તેમણે કરેલા પ્રયાસોનો આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એ સમયે પાકિસ્તાનના ફાઇટર વિમાને પણ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. દરમ્યાન વિન્ગ કમાન્ડર અભિનંદન પણ પાકિસ્તાનમાં પકડાયા હતા, જેમને બાદમાં છોડી મુકાયા હતા.
ભારત પાસે માગ્યો સમય
તેમણે પુસ્તકમાં લખ્યું હતું કે ‘મને નથી લાગતું કે દુનિયા સરખી રીતે આ વાત જાણે છે કે ભારત અને પાકિસ્તાનની દુશ્મનાવટ પરમાણુ યુદ્ધની એકદમ નજીક આવી ગઈ હતી. સાચું કહું તો મને પણ ચોક્કસ ખબર નથી, પરંતુ એટલી વાત સાચી કે તેઓ યુદ્ધની બહુ જ નજીક હતા. હું એ સમયે હનોઈની મુલાકાતે હતો ત્યારે રાતે સુષ્મા સ્વરાજનો ફોન આવ્યો જેમાં તેમણે કહ્યું કે મને એવું લાગે છે કે પાકિસ્તાને પરમાણુ હુમલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત પણ પોતાની રીતે આગળ વધવા માટે વિચારી રહ્યું છે. મેં તેમને થોડો સમય રોકાઈ જવા માટે કહ્યું અને મને સમસ્યાને મારી રીતે ઉકેલવા માટે થોડોક સમય માગ્યો.’
આ પણ વાંચો : અમેરિકામાં માત્ર ત્રણ વીકમાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ૩૮ ઘટનાઓ
જનરલ બાજવા સાથે કરી વાત
વિદેશપ્રધાને તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રીય સલાહર જૉન બોલ્ટનને હનોઈના હોટેલ-રૂમમાંથી ફોન કર્યો અને પાકિસ્તાનના નેતા જનરલ કમર જાવેદ બાજવાનો સંપર્ક કરવા માટે કહ્યું. પોમ્પિયોએ કહ્યું કે ‘અમારી ટીમોએ માત્ર થોડાક કલાકોમાં જ બન્ને દેશોના નેતાઓને સમજાવ્યા કે કોઈ પણ પરમાણુ યુદ્ધની તૈયારી નથી કરી રહ્યું. એ રાતે અમે બન્ને દેશો વચ્ચે કંઈ પણ અઘટિત ઘટનાઓ ન બને એવું કર્યું. તેમણે ભારતમાં એ સમયના અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરના કામને પણ વખાણ્યું તેમ જ તેમને એક સક્ષમ રાજદૂત અને ભારત અને એના લોકોને પ્રેમ કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
ચીનને જવાબ આપ્યો
વિદેશપ્રધાન બન્યા એ પહેલાં પોમ્પિયો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના ડિરેક્ટર હતા. તે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની કૅબિનેટમાં ચાર વર્ષ સુધી સત્તા પર હતા. તેમણે લખ્યું હતું કે ચીનના આક્રમક અભિગમનો સામનો કરવા માટે તેમણે ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતા.
જ્યારે મેં કિમ જૉનને કહ્યું કે ચીન કહે છે કે તમે ઇચ્છો છો કે અમેરિકાની સેના સાઉથ કોરિયાથી હટી જાય તો તેમણે કહ્યું કે ચીન ખોટું બોલે છે. : માઇક પોમ્પિયો, અમેરિકાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન.
સુષમા સ્વરાજ વિશેની ટિપ્પણી અપમાનજનક : જયશંકર
અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું કે મેં સુષમા સ્વરાજને ક્યારેય એક મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ ગણ્યાં નહોતાં. જોકે વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે તેમની પહેલી મુલાકાતમાં જ સારી મિત્રતા થઈ હતી. પોમ્પિયો દ્વારા સુષમા સ્વરાજ વિશે આવું વર્ણન કરતાં ઘણી જગ્યાએ તેમને માટે અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ થયો છે. જયશંકરે કહ્યું કે ‘તેમણે પોમ્પિયોના પુસ્તકમાં સુષમા સ્વરાજ વિશે ટિપ્પણી કરતા અમુક અંશો જોયા છે. અમે સુષમા સ્વરાજને ઘણું સન્માન આપ્યું છે. તેમની સાથે અમારા બહુ સારા સંબંધ હતા.’ પોમ્પિયોએ કહ્યું કે ‘ભારતમાં મારા સમકક્ષ વિદેશનીતિ ટીમમાં એક પણ મહત્ત્વપૂર્ણ ખેલાડી નહોતો. મેં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત દોભાલ સાથે મળીને કામ કર્યું હતું, જેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભરોસાપાત્ર વ્યક્તિ હતા.’ પોમ્પિયો ૨૦૧૮થી ૨૦૨૧ સુધી વિદેશપ્રધાન હતા.