જયશંકરે શા માટે કહ્યું કે તમારે પાકિસ્તાનના પ્રધાનોને પૂછવું જોઈએ?

17 December, 2022 08:39 AM IST  |  United Nations | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની પત્રકારના સવાલના જવાબમાં વિદેશપ્રધાને કહ્યું કે તમારે પાકિસ્તાનના પ્રધાનોને પૂછવું જોઈએ કે ક્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ચાલુ રાખવા ઇચ્છે છે

ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની મીટિંગ દરમ્યાન વિદેશપ્રધાન એસ. જયશંકર (તસવીર : પી.ટી.આઇ.)

વિદેશપ્રધાન એસ. જયશંકરે ગુરુવારે વધુ એક વખત આતંકવાદને મામલે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ‘દુનિયા પાકિસ્તાનને આતંકવાદના એપિસેન્ટર તરીકે જુએ છે. પાકિસ્તાને એનાં દુષ્કર્મો છોડીને એક સારા પાડોશી દેશ બનવાની કોશિશ કરવી જોઈએ.’

એક પાકિસ્તાની પત્રકારે તેના સવાલમાં આતંકવાદ ફેલાવવાનો ભારત પર આરોપ મૂક્યો તો એના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે ‘તમે જ્યારે એમ પૂછો છો કે ક્યાં સુધી આતંકવાદ રહેશે તો તમે ખોટા પ્રધાનને સવાલ કરી રહ્યા છો. તમારે પાકિસ્તાનના પ્રધાનોને પૂછવું જોઈએ કે ક્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ ચાલુ રાખવા ઇચ્છે છે? દુનિયા મૂરખ નથી.’

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘એક દસકા કરતાં વધારે સમય પહેલાં અમેરિકાનાં પ્રતિનિધિ હિલેરી ક્લિન્ટન પાકિસ્તાન ગયાં હતાં. એ સમયે હિના રબ્બાની ખાર પ્રધાન હતાં. ખારની બાજુમાં ઊભાં રહીને હિલેરી ક્લિન્ટને વાસ્તવમાં કહ્યું હતું કે જ્યારે તમારા વાડામાં સાપ હોય તો એ માત્ર તમારા પાડોશીઓને જ કરડે એવી તમે અપેક્ષા ન રાખી શકો. આખરે તો વાડામાં એને રાખનારા લોકોને જ એ કરડશે. જોકે પાકિસ્તાન સારી સલાહને સ્વીકારતું નથી.’ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મીડિયા સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું.

તેમણે વધુ જણાવ્યું હતું કે ‘દુનિયા પાકિસ્તાનને આતંકવાદના હબ તરીકે જ જુએ છે. છેલ્લાં બે વર્ષમાં ભલે કોરોનાના કારણે લોકોની યાદશક્તિને અસર થઈ હોય, પરંતુ દુનિયાને હજી પણ યાદ છે કે આતંકવાદને ફેલાવવામાં પાકિસ્તાનની શું ભૂમિકા છે. પાકિસ્તાન ગમે તે કહે, પરંતુ તેની હકીકતથી સમગ્ર દુનિયા વાકેફ છે.’

આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જયશંકરે ચીનની પણ આકરી ટીકા કરી હતી. આતંકવાદીઓને બ્લેક લિસ્ટમાં મૂકવાના પ્રયાસોમાં ચીન અવરોધરૂપ બની રહ્યું છે. ‘યુએનએસસી (સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ) બ્રીફિંગઃ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ અપ્રોચઃ ચૅલેન્જ ઍન્ડ વે ફૉર્વર્ડ’ની અધ્યક્ષતા કરતાં જયશંકરે આતંકવાદને સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. 

international news pakistan india united nations