ભારતે મોટી ભૂલ કરી દીધી છે

21 October, 2024 11:43 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

નિજ્જરની હત્યા અને પન્નુને મારવાના ષડ્યંત્રને લઈને કૅનેડાના હાઈ કમિશનરે ઉચ્ચારી નવી ધમકી

હરદીપ સિંહ નિજ્જર, ગુરપતવંત સિંહ પન્નુ

કૅનેડા અને ભારત વચ્ચે રાજનૈતિક સંઘર્ષની વચ્ચે ડિપ્લોમૅટ્સે એકબીજાનો દેશ છોડી દીધા બાદ કૅનેડાના હાઈ કમિશનર કૅમેરન મૅકેએ ભારત પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે આ કેસમાં ભારતે જબરદસ્ત રણનૈતિક ભૂલ કરી છે. 

કૅનેડામાં ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુને મારવાના ષડ્યંત્રમાં ભારતીય એજન્ટો સામેલ હોવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે ભારતના એજન્ટોએ નૉર્થ અમેરિકામાં હિંસક ગુના કરવાની કોશિશ કરી છે જે એક ગંભીર ભૂલ છે. ગયા એક વર્ષમાં ઘણી ઘટનાઓમાં ભારતની રણનૈતિક ભૂલો બહાર આવી છે. ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધો ખરાબ થવામાં આ કારણભૂત છે. કૅનેડાની પ્રાથમિકતા એના લોકોની સુરક્ષા છે.

જોકે તેમણે વાતચીતની ચૅનલોને ખુલ્લી રાખવા પર પણ ભાર મૂક્યો હતો જેથી બન્ને દેશો વચ્ચે આપસી સંપર્ક અને બિઝનેસ-સંબંધોને નુકસાનથી અટકાવી શકાય. આ વિવાદના ઉકેલ માટે તેઓ ભારતનો સહયોગ ઇચ્છે છે. જોકે હાલમાં સંબંધો સામાન્ય બનાવવામાં સમય લાગશે. ભારતને એક મહત્ત્વપૂર્ણ દેશના રૂપમાં જોવામાં આવે એવું તેઓ માને છે. 

ભારતે તેમની વાતોને બેઢંગી અને રાજનીતિથી પ્રેરિત બતાવી છે અને આરોપોને ફગાવી દીધા છે.

કૅમેરન મૅકે ઑગસ્ટમાં તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ ભારત છોડીને કૅનેડા જતા રહ્યા હતા, પણ હજી તેઓ ભારતના હાઈ કમિશનર છે. 

canada india khalistan america international news news world news