19 March, 2025 09:11 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent
ટાઇટેનિયમ ધાતુના આર્ટિફિશ્યલ હાર્ટ સાથે ઑસ્ટ્રેલિયન દરદી ૧૦૦ દિવસ જીવી ગયો
હાર્ટ-ફેલ્યરના કિસ્સામાં હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ એ જ એકમાત્ર ઉપાય હોય છે, પરંતુ દરદી સાથે મૅચ થાય એવું હાર્ટ તરત જ મળી જવું દરેક વખતે શક્ય નથી હોતું. આવા કેસમાં દરદીને તાત્પૂરતું એક આર્ટિફિશ્યલ હાર્ટ બેસાડવામાં આવે છે જે તેને સર્વાઇવ થવામાં મદદ કરે. આવું ટાઇટેનિયમ ધાતુનું હાર્ટ દરદીને થોડા દિવસો સુધી જિવાડી શકે છે. જોકે ઑસ્ટ્રેલિયાનો એક દરદી ૧૦૦ દિવસ આર્ટિફિશ્યલ હાર્ટ પર જીવી ગયો છે. આ દરદી પોતાની આઇડેન્ટિટી જાહેર કરવા નથી માગતો.
ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સનો એક દરદી આર્ટિફિશ્યલ હાર્ટ પર ૧૦૦ દિવસ સર્વાઇવ થનારો વિશ્વનો પહેલો માણસ બન્યો છે. આ આર્ટિફિશ્યલ હાર્ટ ટાઇટેનિયમ ધાતુનું બનેલું છે જે BiVACOR તરીકે ઓળખાય છે. ટાઇટેનિમ ધાતુનું હૃદય લગાડનારો વિશ્વનો આ છઠ્ઠો માણસ છે. જોકે ઑસ્ટ્રેલિયાનો આ પહેલો કેસ છે.
ચાળીસીમાં જ હાર્ટ-ફેલ્યર થયું હોવાને કારણે આ દરદીને બચાવવા માટે આર્ટિફિશ્યલ હાર્ટની જરૂર પડી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સિડનીની સૅન્ડ વિન્સેન્ટ હૉસ્પિટલમાં આ દરદી પર ટાઇટેનિયમનું હાર્ટ બેસાડવામાં આવ્યું હતું. હાર્ટ બેસાડવાની ૬ કલાકની પ્રોસીજર ટ્રાન્સપ્લાન્ટ સર્જ્યન ડૉ. પૉલ જેન્ઝે કરી હતી. આ નકલી હાર્ટ સાથે દરદીને કોઈ મેજર તકલીફો નહોતી પડી.
તાજેતરમાં તેને અનુકૂળ આવે એવો હાર્ટ-ડોનર મળી જતાં તેનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાથી કરવામાં આવ્યું છે અને એ પણ સફળ રહ્યું છે.
BiVACOR શું છે?
ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં જન્મેલા ડૉ. ડૅનિયલ ટિમ્સે આ હાર્ટની શોધ કરી છે. આ એવું ધાતુનું ડિવાઇસ છે જે સામાન્ય હાર્ટ જેવું જ કામ કરે છે અને જ્યાં સુધી તેને બીજા માણસનું હૃદય ન મળે ત્યાં સુધી તેને જિવાડવાની કોશિશ કરે છે. આ એક એવો પમ્પ છે જેમાં ચોક્કસ નિયમિત ધબકારા સાથે લોહી આવે છે અને ચોક્કસ ફોર્સ સાથે લોહી આખા શરીરમાં પહોંચે છે. ટાઇટેનિયમ એ શરીરના કોષો સાથે કૉમ્પેટિબિલિટી ધરાવતી ધાતુ છે અને એની મજબૂતી ઘણી સારી હોય છે.
અત્યારે આ ડિવાઇસને ટેમ્પરરી ધોરણે વાપરવામાં આવે છે, પણ કેટલાક કાર્ડિયોલૉજિસ્ટોનું માનવું છે કે જો આ ડિવાઇસ પર વધુ કામ કરવામાં આવે તો એ રિયલ હાર્ટનું કાયમી રિપ્લેસમેન્ટ પણ બની શકે છે.